ગિગ વર્કર્સને પૂરતું મહેનતાણું મળતું નથી. સ્ટાર્સના આધારે તેની લાયકાત નક્કી થાય છે. દરેક વાતાવરણમાં તેઓએ કામ કરવું પડે છે. આ અને આવી બીજી અનેક સમસ્યાઓનો સામનો ગિગ વર્કર્સ કરી રહ્યા છે. લોકોને પણ ગિગ વર્કર્સની નીતિરીતિ સામે અનેક સવાલો છે. ગિગ વર્કર્સ અને લોકો, બંનેના હિતમાં હોય એવી પોલિસી ઘડાવી જોઇએ.
ગિગ વર્કર્સ એ એવા લોકો છે જે આપણે ઇચ્છીએ એ ઘરબેઠાં પહોંચાડે છે
ગિગ શબ્દ હજુ થોડા સમય પહેલા મોટા ભાગના લોકો માટે અજાણ્યો હતો. ગિગનો અર્થ જાણવા જેવો છે. ગિગ એટલે ટૂંકા સમયનું, કોન્ટ્રાકટ બેઝ અથવા તો ફ્રીલાન્સ કામ. અગાઉ મ્યૂઝિક બેન્ડના કાર્યક્રમ માટે ગિગ શબ્દ વપરાતો હતો. મ્યૂઝિક, ડીજે કે કોઇ કલાકારનો કાર્યક્રમ હોય ત્યારે એવું કહેવાતું કે, આ શનિવારે પેલા બેન્ડનો ગિગ છે. ગિગ શબ્દનો ઉપયોગ સો કરતા વધુ વર્ષથી થતો આવ્યો છે. 1920માં જાઝ મ્યુઝિશિયનના કાર્યક્રમ માટે ગિગ શબ્દ વપરાતો હતો. હવે તો ગિગનો અર્થ ખૂબ વ્યાપક થઇ ગયો છે. આજે એવી કેટલીયે સર્વિસ એપ્લિકેશન્સ છે જે ગિગ વર્કર્સ પર જ ચાલે છે. આ ગિગ વર્કર્સના કારણે લોકોની લાઇફ ઇઝી બની ગઇ છે. હવે કંઇ લેવા બહાર જવું પડતું નથી. એપ્લિકેશન પર ઓર્ડર આપો અને માંગો એ વસ્તુ હાજર થઇ જાય છે. છેલ્લા ઘણા સમયથી ગિગ વર્કર્સની સમસ્યાની વાતો દેશમાં ચાલી રહી છે. તેમાં સૌથી મોટી વાત ટાઇમ લિમિટની હતી.
દસ મિનિટનો નિયમ આખરે રદ કરાયો
ગિગ વર્કર્સે લોકોના ઓર્ડરની ડિલિવરી ગણીને દસ મિનિટમાં કરવાની રહેતી હતી. આ કામ યોર ટાઇમ સ્ટાર્ટ્સ નાઉ જેવું હતું. ગિગ વર્કર્સને દસ મિનિટમાં પહોંચી જવાનું ટેન્શન રહેતું હતું. સમય મર્યાદામાં પહોંચવા માટે ગિગ વર્કર્સ બાઇક ફાસ્ટ ચલાવતા હતા. જલ્દી પહોંચવાની લ્હાયમાં અકસ્માત સર્જાયા હોય અને ગિગ વર્કર્સનું મૃત્યુ થયું હોય એવા અનેક બનાવો આપણે ત્યાં નોંધાયા છે. જે કંપનીઓ માટે ગિગ વર્કર્સ કામ કરે છે એ તેમના ઇન્સ્યોરન્સ કે સોશિયલ સિક્યોરિટીઝ જેવી બીજી જરૂરી વ્યવસ્થાઓ કરતી નથી. બીજી વાત એ પણ છે કે, દરેક ચીજ વસ્તુઓની એટલી ઇમરજન્સી હોતી નથી કે, દસ મિનિટમાં પહોંચી જ જવું જોઇએ. પાંચ દસ મિનિટ મોડું થાય તો કંઇ ખાટું મોળું થઇ જતું હોતું નથી. હવે લોકોને બધું ઝડપથી મેળવી લેવાની આદત પડી ગઇ છે. લોકો મોબાઇલ પર ટ્રેક કરતા રહે છે કે, ડિલિવરીમેન ક્યાં સુધી પહોંચ્યો? અગાઉના સમયમાં કંઇ જરૂર પડે તો માણસે લેવા જવું પડતું હતું. જઇને પાછા આવે એમાં પંદર મિનિટથી માંડીને અડધા કલાક જેટલો સમય થઇ જતો હતો. હવે લોકો થોડીકેય વાર લાગે તો ડિલિવરીમેનને તતડાવી નાખે છે. ઉતાવળે પહોંચવાની લ્હાયમાં અકસ્માત ન થાય તો પણ ડીલિવરીમેનનું બ્લડ પ્રેશર હાઇ રહે છે. તેની તબિયત સામે જોખમ ઊભા થાય છે. દરેક સિઝનમાં ડિલિવરીમેન પોતાનું કામ કરે છે. સખત વરસાદ કે ટ્રાફિક જામ હોય એવા સંજોગોમાં ડિલિવરી દસ મિનિટમાં થઇ શકતી નહોતી. દરેક કંપનીઓ પોતાની જાહેરાતમાં મોટો મોટા અક્ષરે દસ મિનિટમાં ડિલિવરી એવું લખતી હતી. હવે એ પણ બંધ થઇ જશે.
બીજી પણ અનેક સમસ્યાઓનો ઉકેલ જરૂરી છે
ગિગ વર્કર્સની મુશ્કેલી માત્ર સમય મર્યાદા પૂરતી જ નથી. સૌથી મોટો સવાલ મહેનતાણાનો છે. જુદી જુદી કંપનીઓ અલગ અલગ રેટ ગિગ વર્કર્સને આપે છે. કોઇ ચોક્કસ નિયમો નથી. એક ગિગ વર્કર્સે કહ્યું હતું કે, હું દિવસમાં પંદર કલાક કામ કરું છું. દરરોજ સોથી દોઢસો કિલોમિટર બાઇક ચલાવું છું. આખા દિવસમાં માંડ હજાર રૂપિયાની કમાણી થાય છે. તેમાંથી અઢીસો રૂપિયાનું પેટ્રોલ થાય છે. મારા માટે સાડા સાતસો રૂપિયા બચે છે. બાઇકના મેઇન્ટેનન્સનો પણ ખર્ચ થાય છે. એવું બિલકુલ નથી કે, અમને તરત ડિલિવરી કરવાનું કામ મળી જાય છે. ક્યારેક કલાકો સુધી રાહ જોવી પડે છે. અમે જો કોઇનો ઓર્ડર રિજેક્ટ કરીએ તો અમારે પેનલ્ટી ચૂકવવી પડે છે. અમને કોઇ દિવસ રજા મળતી નથી. કંપનીઓ એપ દ્વારા અમારા પર વોચ રાખતી હોય છે. કંપનીઓ મોટા પાયે કમિશન લે છે અને અમારા હાથમાં ઓછું આવે છે.
સ્ટાર રેટિંગ માટે લોકો પાસે કરગરવું પડે છે
ગિગ વર્કર્સે લોકો પાસે કરગરવું પડે છે કે, પ્લીઝ સર કે મેમ, સ્ટાર્સ આપી દેજો. સ્ટાર્સના આધારે એમની લાયકાત નક્કી થાય છે. બધા લોકો સ્ટાર્સ આપતા નથી. સર્વિસ જોઇને લોકો વન સ્ટારથી માંડીને ફાઇવ સ્ટાર રેટિંગ આપે છે. કેટલાંક લોકોનું બિહેવિયર પણ ડિલિવરીમેન સાથે સારું હોતું નથી. સામા પક્ષે ડિલિવરીમેનના વર્તનના સવાલો પણ હોય છે. ડિલિવરી કરનારાઓએ છેડતીથી માંડીને બેહુદું વર્તન કર્યાની ફરિયાદો પણ કંઇ ઓછી નથી. કંપનીઓને ડિલિવરી કરનારા લોકોની જરૂર હોય છે એટલે માણસ કેવો છે એની વધુ ચિંતા કર્યા વગર કામે રાખી લે છે. લોકો કહે છે કે, માણસોને રાખતા પહેલા એના વિશે પૂરતી તપાસ કરો. કેટલીક સોસાયટીઓમાં ડિલિવરીમેનોને અંદર ઘૂસવા દેવામાં આવતા નથી. બધા ડિલિવરીમેન ખરાબ હોતા નથી પણ અહીં એ વાત લાગુ પડે છે કે, સૂકા ભેગું લીલું પણ બળે. ગિગ વર્કર્સ માટે નિયમો છે પણ હજુ ચોક્કસ પોલિસી ઘડવી પડે એવી છે. એવા નિયમો લાગુ કરવાની જરૂર છે જેનાથી ગિગ વર્કર્સનું પણ શોષણ ન થાય, તેમને યોગ્ય આવક થાય અને લોકોના કામ પણ સરળતાથી પતે. દસ મિનિટનો સવાલ તો ઉકેલાઇ ગયો છે પણ હજુ ઘણું કરવાનું બાકી છે. આશા રાખીએ કે, બધા માટે સારા રહે એવા નિયમો અમલમાં મૂકવામાં આવે.
ગિગ ઇકોનોમી : દેશના અર્થતંત્ર માટે ખૂબ જ આશીર્વાદરૂપ બની રહી છે
આપણા દેશ સહિત આખી દુનિયામાં અત્યારે ગિગ ઇકોનોમીની ચર્ચા છે. ગિગ સિસ્ટમના કારણે અર્થતંત્ર વધુ ધબકતું થયું છે. વેચાણ વધ્યું છે. ગિગ વર્કર્સ કમાય છે અને તેની ખર્ચ કરવાની કેપેસિટી પણ વધે છે. તેનાથી અર્થતંત્ર દોડતું રહે છે. એક મહત્ત્વનો મુદ્દો લોકોને મળતા કામનો પણ છે. જે લોકો પાસે કામ નથી એ લોકો ગિગ વર્કર્સ બની જાય છે. ગિગ વર્કના ફાયદાઓ પણ છે. મન થાય ત્યારે કામ કરી શકાય છે. કેટલાંયે કોલેજિયન છોકરાઓ ભણવાનો ખર્ચ કાઢવા માટે ડિલિવરી બોયનું કામ કરે છે. હવે તો છોકરીઓ પણ આવું કામ કરી રહી છે. ઘર ચલાવવામાં છોકરા અને છોકરીઓ મદદ કરી રહ્યા છે. ફ્રી હોય ત્યારે સમય બગાડવાને બદલે બે પૈસા મળી જાય એવી આશાએ યંગસ્ટર્સ બાઇક કે મોપેડ લઇને કામે ચડી જાય છે. આવા કામો વધવાના જ છે અને સરવાળે તેનાથી દેશ અને દેશનો લોકોને મોટો ફાયદો થવાનો છે.
આ પણ વાંચો : Railway News : રેલવે પરિસરમાં જો થૂંકશો અને ગંદકી કરશો તો થશે કડક કાર્યાવહી, જાણો મુસાફરોને ફટકારાયો આટલો દંડ