તેર દિવસના યુદ્ધમાં બંને પક્ષે ભયંકર નુકશાન ગયું છે. અમેરિકા અને ઇઝરાયેલના હુમલાઓ ચાલુ છે. ઇરાને પણ પડોશી દેશો પર હુમલાઓ કરીને અમેરિકાને મોટા આંચકા આપ્યા છે. આખો ખેલ અત્યારે હોર્મુઝ પર આવીને અટક્યો છે. યુદ્ધ એમ શાંત પડવાનું નથી.


ઇરાન વોરના તેર દિવસ પૂરા થયા છે

અમેરિકા અને ઇઝરાયેલે યુદ્ધ શરૂ કર્યું એ પછી ઇરાને પણ અમેરિકાના નાકે દમ લાવી દીધો છે. બંને પક્ષો એક-બીજા સામે હાકલા પડકારા અને જાતજાતના દાવાઓ કરી રહ્યા છે. અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ જે દાવાઓ કરે છે તેની સામે સવાલો થઇ રહ્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, યુદ્ધ અમે જીતી લીધું છે. અમારા જે ટાર્ગેટ હતા એ અમે પૂરા કરી લીધા છે. હવે ઇરાનમાં નિશાન બનાવવા જેવું કંઇ બચ્યું નથી. હું ધારું ત્યારે યુદ્ધ રોકી શકું એમ છે. જોકે, હું એવું કરવાનો નથી. ટ્રમ્પની આવી વાતો પછી આખી દુનિયામાં એ ચર્ચાઓ ચાલી છે કે, શું ખરેખર અમેરિકા અને ઇઝરાયેલે યુદ્ધ શરૂ કરતા પહેલા જે ધાર્યું હતું એ પૂરું કરી લીધું છે? ડોનાલ્ડ ટ્રમ્પનો ઇરાદો ઇરાનમાં સત્તા પરિવર્તન કરાવવાનો હતો. ઇરાનમાં એવી વ્યક્તિને ગોઠવવી હતી જે અમેરિકાનો પડ્યો બોલ ઝીલે. ટ્રમ્પે તો ત્યાં સુધીની વાત કરી હતી કે, ઇરાનમાં કોને ગોઠવવો એનો પ્લાન પણ મારી પાસે તૈયાર છે. આ યુદ્ધ વિશે નિષ્ણાતો એવું કહી રહ્યા છે કે, અમેરિકાએ યુદ્ધ છેડતા તો છેડી દીધું છે પણ હવે સંકેલો કેમ કરવો એ એને સમજાતું નથી. અમેરિકાએ ઇરાનને અંડરએસ્ટિમેટ કર્યું. અમેરિકાને હતું કે, પહેલો મોટો ઘા મારીને ઇરાનની નેતાગીરી જ ખતમ કરી નાખીશું એટલે ઇરાન ઘૂંટણિયા ટેકવી દેશે. ઇરાનના સર્વોચ્ચ ધાર્મિક વડા આયાતોલ્લાહ ખામેનેઇ ઉપરાંત બીજા પચાસ જેટલા પહેલી હરોળના નેતાઓ અને સૈન્ય અધિકારીઓને મારી નાખ્યા હોવા છતાં ઇરાન પૂરી તાકાતથી લડી રહ્યું છે.

કોઇ પણ યુદ્ધ આખરે કેવી રીતે ખતમ થાય?

યુદ્ધ મુખ્ય બે રીતે ખતમ થતું હોય છે. એક તો બેમાંથી એક પક્ષ શરણે થઇ જાય. હાર સ્વીકારી લે. બધી શરતો માનવા તૈયાર થઇ જાય. આવા સંજોગોમાં એવું કહી શકાય કે, એક પક્ષ જીત્યો અને બીજો પક્ષ હાર્યો. યુદ્ધ ખતમ કરવાનો બીજો માર્ગ વાતચીત કરીને સમાધાન શોધવાનો છે. બંને પક્ષો ટેબલ પર સામસામા બેસે એને યુદ્ધ રોકવાની શરતો નક્કી કરીને વાત પૂરી કરે. ઇરાન વોરના કિસ્સામાં તો બેમાંથી કંઇ નથી થયું. એક ત્રીજો માર્ગ પણ છે. કોઇ એક પક્ષ પોતાની રીતે જ યુદ્ધ પૂરું કરી દે. અમેરિકા એવું કરશે? જો એવું કરે તો અમેરિકાની ઇમેજ શું રહેશે? ઇરાન લાંબો સમય લડવા તૈયાર હોવાની વાતો કરી રહ્યું છે. ઇરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેજેશ્કિયાને યુદ્ધ રોકવા માટે ત્રણ શરત મૂકી હોવાની વાતો બહાર આવી છે. આ ત્રણ શરતો એવી છે કે, ઇરાનના કાનૂની અધિકારોને માન્યતા આપવામાં આવે, યુદ્ધથી થયેલા નુકશાનની ભરપાઇ કરવામાં આવે અને ભવિષ્યમાં હુમલો ન થાય એ માટે આંતરરાષ્ટ્રિય ગેરંટી આપવામાં આવે. અમેરિકા આ શરતો માને એવું લાગતું નથી. ઇરાન ફના થવા તૈયાર હોય એ રીતે લડી રહ્યું છે. બીજી તરફ અમેરિકા પર પ્રેશર વધી રહ્યું છે.

ઇરાને પોતાના પડોશી દેશોમાં જ્યાં જ્યાં અમેરિકાના સૈન્ય થાણા છે ત્યાં હુમલા કર્યા છે

જ્યાં અમેરિકાની હાજરી નથી તેને પણ ઇરાને નિશાન બનાવ્યા છે. અમેરિકા ભલે કંઇ કહેતું ન હોય પણ અમેરિકાને મોટું નુકસાન પહોંચ્યું છે. ઇરાને કુલ 14 દેશો પર હુમલા કર્યા છે. ઇઝરાયેલ પર સૌથી વધુ હુમલા થયા છે. ઇઝરાયેલની એર ડિફેન્સ સિસ્ટમ પાવરફૂલ હોવા છતાં આર્યન ડોમને વિંધીને અનેક મિસાઇલો ઇઝરાયેલની જમીન સુધી પહોંચી છે. સાઉદી અરેબિયાની સૌથી મોટી ઓઇલ રિફાઇનરી અરામકો પર ઇરાને હુમલો કરી ભડકે બાળી છે. કુવૈત, બહેરીન, કતાર, ઓમાન, ઇરાક, સીરિયા, જોર્ડન, સાયપ્રસ સહિતના દેશોને ઇરાને નિશાન બનાવ્યા છે. સ્વાભાવિક રીતે જ તેનું પ્રેશર અમેરિકા પર આવવાનું છે. દુબઇ અને અબુધાબીને પણ ઇરાને છોડ્યા નથી. હજુ શું થાય એ કોઇ કહી શકે એમ નથી.

હોર્મુઝ સ્ટ્રેટ યુદ્ધનું કેન્દ્ર બની ગયું છે

દુનિયાના વીસ ટકા જેટલા ઓઇલનો જથ્થો જે માર્ગે પસાર થાય છે એ હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરીને ઇરાન અમેરિકા સહિત આખી દુનિયાનું નાક દબાવ્યું છે. હોર્મુઝમાં જહાજો પર હુમલાઓ થઇ રહ્યા છે. અમેરિકા એવા દાવાઓ કરે છે કે, અમે ઇરાનના 60 જહાજો ડુબાડી દીધા છે. ઇરાન પણ જહાજો પર હુમલાઓ કરી રહ્યું છે. ઇરાન દરિયામાં માઇન્સ બિછાવી રાખી છે. અમેરિકાએ કહ્યું છે કે, માઇન્સ બિછાવનાર ઇરાનના જહાજને પણ અમે ઉડાવી દીધું છે. હોર્મુઝ માર્ગ બંધ થતા દુનિયામાં ઓઇલનો પુરવઠો ખોરવાઇ ગયો છે. ઓઇલના ભાવ એક બેરલના 101 ડોલરથી વધી ગયા છે. ઇરાને હજુ એવી ચીમકી આપી છે કે, ઓઇલના ભાવ એક બેરલના બસો ડોલર થઇ જાય એવી તૈયારીઓ રાખજો. દુનિયાના દેશોમાં આ યુદ્ધની ખરાબ અસરો થવા લાગી છે. પાકિસ્તાન, થાઇલેન્ડ, ઇન્ડોનેશિયા સહિતના દેશોએ ઓઇલ બચાવવા માટે વર્ક ફ્રોમ હોમ સહિતના પગલાંઓ ભરવા પડ્યા છે. યુદ્ધ લાંબુ ચાલ્યું તો સ્થિતિ કોઇને કલ્પના ન હોય એ હદે વણસી શકે એમ છે. સૌથી મોટી વાત એ છે કે, ઇરાન ખરેખર કેટલો સમય લડી શકે એમ છે? ઇરાન પાસે હથિયારોનો કેટલો ભંડાર છે એ વિશે જાતજાતની વાતો થતી રહી છે. ઇરાન અમેરિકા અને ઇઝરાયેલની ટક્કર ઝીલી રહ્યું છે અને છેક સુધી લડી લેવાની વાતો કરે છે. નિષ્ણાતો કહે છે કે, ડોનાલ્ડ ટ્રમ્પ ભલે ગમે એવા દાવાઓ કરી રહ્યા હોય પણ હવે તેના હાથની પણ કોઇ વાત નથી રહી, સિવાય કે એ એકતરફી યુદ્ધ વિરામની ઘોષણા કરે!

પુટિન ખેલ જુવે છે : રશિયા ઇરાનને સૈન્ય મદદ કરે એવી શક્યતા કેટલી?

ઇરાન યુદ્ધથી જો કોઇ સૌથી વધુ ગેલમાં આવી ગયું હોય તો એ રશિયાના પ્રેસિડેન્ટ વ્લાદીમિર પુટિન છે. રશિયા પાછલા બારણે ઇરાનને મદદ કરી રહ્યું છે. યુક્રેનના પ્રેસિડેન્ટ ઝેલેન્સ્કીએ તો ત્યાં સુધીની વાત કરી છે કે, રશિયા પોતાની સેના ઇરાન મોકલી શકે છે. આ દરમિયાનમાં અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે પણ પુટિન સાથે વાત કરી છે. પુટિનને આ યુદ્ધમાં પોતાનો ફાયદો દેખાઇ રહ્યો છે. મજાની વાત એ છે કે, અત્યાર સુધી અમેરિકા રશિયા અને યુક્રેનનું યુદ્ધ પતાવવા માટે વાતો કરતું હતું. હવે અમેરિકા અને ઇરાનનું યુદ્ધ પતાવવા માટે રશિયા મધ્યસ્થી કરી શકે એમ છે. અનેક ટેબલો ટર્ન થઇ રહ્યા છે અને બધું જો અને તો પર નિર્ભર બની ગયું છે.


આ પણ વાંચો : Railway News : મહારાષ્ટ્રના સફાલે રેલવે સ્ટેશન પર ગાડી નંબર 19016 પોરબંદર-દાદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસના સમયમાં આંશિક ફેરફાર


  • Follow us on: