જે રીતે બધું ચાલી રહ્યું છે એ જોતાં એવું લાગે છે કે, અમેરિકા કે ઇરાન બેમાંથી કોઇ યુદ્ધ કરવા ઇચ્છતા નથી. વિવાદ જો વાતચીતથી પતી જાય તો સારી વાત છે. યુદ્ધ થયું તો તેની અસરો આખી દુનિયામાં વર્તાશે. સવાલ એ પણ છે કે, અમેરિકા સાથે સમાધાન થઇ જાય એ પછી પણ ઇરાનનું કેટલું ભલું થશે? ઇરાનના લોકો શાંત બેસશે ખરા?
અમેરિકા અને ઇરાન વચ્ચે અત્યારે તણાવ પરાકાષ્ઠાએ છે
અમેરિકાએ ઇરાન ફરતો ઘેલો ઘાલ્યો છે. ટ્રમ્પના એક આદેશથી અમેરિકાની સેના ઇરાન પર તૂટી પડે એમ છે. ઇરાને પણ લડવાની તમામ તૈયારીઓ કરી રાખી છે. બંને એક-બીજા સામે હાકલા પડકારા કરી રહ્યા છે. અલબત્ત, અત્યાર સુધી જે થયું છે એ જોતાં એવું લાગી રહ્યું છે કે, બેમાંથી કોઇને યુદ્ધ લડવાની ઇચ્છા નથી. જો યુદ્ધ લડવું હોત તો અમેરિકાએ ક્યારનોયે હુમલો કરી દીધો હોત. યુદ્ધ કરતા પહેલા અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે ઇરાનને ફાઇનલ અલ્ટિમેટમ આપ્યું કે, તમારું ભલું ઇચ્છતા હોવ તો અમેરિકા સાથે પરમાણુ ડીલ કરવા માટે તૈયાર થઇ જાવ. ઇરાનને સમજાઇ ગયું છે કે, હવે લાંબું ખેંચવામાં માલ નથી. આખરે ઇરાન અમેરિકા સાથે વાતચીત કરવા તૈયાર થઇ ગયું છે.
આજે ઓમાનમાં મળવાની છે મહત્ત્વની બેઠક
ઓમાનની રાજધાની મસ્કતમાં આજે શુક્રવારે અમેરિકા અને ઇરાનના પ્રતિનિધિઓની બેઠક મળવાની છે. ઇરાનના વિદેશ પ્રધાન અબ્બાસ અરાગચી અને અમેરિકાના વિદેશ પ્રધાન માર્કો રુબિયોએ આ બેઠકને સકારાત્મક ગણાવી છે. માર્કો રુબિયાએ કહ્યું કે, અમેરિકા એવું ઇચ્છે છે કે, ચર્ચામાં ઇરાનના ન્યુક્લિયર અને મિસાઇલ પ્રોજેક્ટના મુદ્દાઓનો પણ સમાવેશ કરવામાં આવે. સવાલ એ છે કે, શું ઇરાન પોતાના પરમાણુ પ્રયોગો પડતા મૂકશે? આમ તો ઇરાન પાસે એવું કરવા સિવાય બીજો કોઇ વિકલ્પ બચ્યો નથી. ઇરાન જો એવું નહીં કરે તો યુદ્ધ નક્કી છે. ડોનાલ્ડ ટ્રમ્પ પ્રેસિડેન્ટ બન્યા એ પછી ઇરાન પરમાણુ સંધિ માટે અમેરિકા સાથે વાતચીત કરવા લાગ્યું જ હતું. બંને દેશના પ્રતિનિધિઓ વચ્ચે બેઠકો પણ મળી હતી. એક તબક્કે એવું લાગતું હતું કે, હવે ડીલ ડન થઇ જશે. ડીલ થાય એ પહેલા જ ઇઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ધ ફાટી નીકળ્યું. અમેરિકાએ પોતાના ખાસમખાસ મિત્ર ઇઝરાયેલને સાથ આપ્યો. હમાસને ઇરાનનો સાથ પહેલેથી હતી. યુદ્ધના કારણે ઇરાને અમેરિકા સાથેની વાતચીત અટકાવી દીધી હતી. એ પછી અમેરિકા અને ઇઝરાયેલ બંનેએ ઇરાન પર સીધા હુમલાઓ પણ કર્યા. ઇઝરાયેલ અને હમાસનું યુદ્ધ પૂરું થયું એ પછી ઇરાનમાં નવી સ્થિતિનું નિર્માણ થયું.
ઇરાનમાં લોકો સરકાર સામે મેદાને પડ્યા
ઇરાનના ચલણ રિયાલનું ખોડે ગયેલું મૂલ્ય, હિજાબ અને બીજા મામલે સરકાઇની સખ્તાઇ, યુદ્ધનો ઉપદ્રવ, ગરીબી, બેકારી, મોંઘવારી અને અનિશ્ચિતતાથી થાકીને ઇરાનના લોકો પોતાની સરકાર સામે મેદાને પડ્યા. ઇરાનમાં ગૃહયુદ્ધની સ્થિતિ પેદા થઇ ગઇ. વાતો ત્યાં સુધી ચાલી કે, ઇરાનમાં નવી ક્રાંતિના મંડાણ થઇ ગયા છે. અમેરિકાએ પ્રદર્શનકારીઓને સાથ આપ્યો. ઇરાનને ધમકી આપી કે, દેખાવો કરનાર પર બળપ્રયોગ કર્યો તો અમારા જેવું કોઇ નહીં હોય. ઇરાનના સર્વોચ્ચ ધાર્મિક નેતા આયાતોલા ખોમૈનીએ બંકરમાં સંતાવવું પડ્યું. જોકે, ઇરાનની સરકારે આંદોલનની સખ્તાઇથી ડામી દીધું. ત્રણેક હજાર લોકો માર્યા ગયા. અત્યારે ભલે એવું લાગતું હોય કે, આંધી અટકી ગઇ છે પણ અંદરખાને ઉકળાટ એવોને એવો છે. જે લોકોના સ્વજનો માર્યા ગયા છે એનો ઉશ્કેરાટ આસાનીથી શમવાનો નથી. ગમે ત્યારે લોકો ફરીથી મેદાનમાં આવવાના છે. ઇરાનના ભવિષ્ય સામે હજુ અનેક પ્રશ્નાર્થો.
ઇરાનના ભવિષ્ય સામે હજુ અનેક પશ્નાર્થો લાગેલા જ છે
સૌથી મહત્ત્વની વાત એ છે કે, અમેરિકા સાથે નવી પરમાણુ સંધિ થઇ જશે? ઓમાનની બેઠક વિશે નિષ્ણાતોનું એવું કહેવું છે કે, આસાનીથી વાત પતવાની નથી. હજુ બેઠકોના ઘણા દૌર ચાલવાના છે. બે ઘડી માની લો કે, ડીલ થઇ ગઇ તો પણ ઇરાનની સ્થિતિ થાળે પડશે કે કેમ એ સૌથી મોટો સવાલ છે. લોકો પરિવર્તન ઇચ્છે છે. ઇરાનની ઇસ્લામિક કાનૂનવાળી સરકાર લોકોને વધુ દબાવી નહીં શકે. અમેરિકા પણ શાંતિથી બેસવાનું નથી. ઇઝરાયેલ પણ મોકાની રાહ જોઇને જ બેઠું છે. દુનિયાના અનેક દેશો સાથે ઇરાનની દુશ્મની છે. એ દેશો પણ ઇરાનનું પતન ઇચ્છે છે. આયાતોલા ખોમૈનીની ઉંમર 86 વર્ષની થઇ ગઇ છે. એ હવે લાંબુ ખેંચે એમ નથી. જરૂર પડ્યે ઇરાનથી ભાગી જવાની તૈયારી પણ આયાતોલા ખોમૈનીએ કરી રાખી હોવાની વાતો સંભળાઇ રહી છે. ખોમૈનીને ચાર દીકરા અને બે દીકરી મળી છ સંતાનો છે. પરિવાર પાસે ખરબોની સંપત્તિ છે.
ઇરાનમાં અગાઉ રાજાશાહી હતી
1979માં ઇરાનમાં ઇસ્લામિક ક્રાંતિ થઇ. રાજાશાહીનો અંત આવ્યો. દેશમાં શરિયા કાનૂન લાગુ થયો. લોકોની જિંદગી બદલી ગઇ. ઇસ્લામિક શાસન હેઠળ ઇરાનની દશા વધુને વધુ કથળી ગઇ. હવે ઇરાનના લોકો કંટાળ્યા છે. તેઓને મુક્તિ અને શાંતિ જોઇએ છે. ઇરાનના લોકો જ વહેલા કે મોડા સરકારનું કરી નાખવાના છે. અમેરિકા પણ એવું જ ઇચ્છે છે. અમેરિકાને તો એમ હતું કે, આ વખતે જ ઇરાનની સરકારનો ઘડોલાડવા થઇ જશે. ઇરાને બળ વાપરીને બધાને ચૂપ કરી દીધા. ઇરાનના નસીબમાં શું લખ્યું છે એ અત્યારે કોઇ કહી શકે એમ નથી. લોકો એવું ઇચ્છી રહ્યા છે કે, અમેરિકા સાથે ડીલ થઇ જાય અને યુદ્ધ ન થાય તો સારું. જો યુદ્ધ થયું તો ઇરાન ક્યાંયનું નહીં રહે.
અમેરિકાએ ઇરાનનું ડ્રોન તોડી પાડ્યું અને એક જૂની ઘટના તાજી થઇ ગઇ
અમેરિકાએ ઇરાન સામે લડી લેવા માટે પોતાનું જંગી યુદ્ધ જહાજ યુએસએસ અબ્રાહમ લિંકન ઇરાનની નજીક દરિયામાં તહેનાત કરી રાખ્યું છે. આ દરમિયાનમાં ઇરાનનું શાહેદ-139 ડ્રોન અમેરિકાના યુદ્ધ જહાજ તરફ આવતું દેખાયું હતું. અમેરિકાએ તરત જ યુદ્ધ જહાજ પરથી પોતાનું ફાઇટર જેટ એફ-35સી સ્ટેલ્થ ઉડાવ્યું અને મિલાઇલ છોડીને ઇરાનના ડ્રોનને ઉડાવી દીધું. આ ઘટનાથી તણાવ સર્જાયો હતો. એવી વાતો ચાલી હતી કે, શું હવે ઇરાન વળતો જવાબ આપશે? ઇરાન સમસમીને બેસી રહ્યું. ઇરાને આવી જ રીતે અગાઉ અમેરિકાનું ડ્રોન ઉડાવી દીધું હતું. પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પની પહેલી ટર્મ દરમિયાન એ ઘટના બની હતી. ઇરાને અમેરિકાનું ડ્રોન ઉડાવી દીધું એ પછી ડોનાલ્ડ ટ્રમ્પે ઇરાન પર હુમલાનો આદેશ આપી દીધો હતો. અમેરિકાના ફાઇટર જેટ હુમલો કરવા રવાના થાય એ પહેલા જ ટ્રમ્પે હુમલાનો આદેશ પાછો ખેંચ્યો હતો અને યુદ્ધ ટળી ગયું હતું. એ વખતે અમેરિકાએ ગમ ખાઇ લીધો હતો. આ વખતે અમેરિકાએ ઇરાનનું ડ્રોન તોડી પાડીને એ બદલો પૂરો કરી લીધો છે. બંને વચ્ચે અત્યારે એવી સ્થિતિ પ્રવર્તી રહી છે કે, એક નાની સરખી ઘટના પણ મોટા યુદ્ધને નોંતરે એમ છે. હજુ ગમે ત્યારે ગમે તે થાય એવો ખતરો તો તોળાઇ જ રહ્યો છે.
આ પણ વાંચો : Gandhinagar News : સાયબર ગુનાના મોટા રેકેટનો પર્દાફાશ, 930 કરોડના સાયબર ગુના આચરનાર 5 આરોપીની ધરપકડ કરાઈ