દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આજે 75મો જન્મદિવસ છે. તેમનો જન્મ ગુજરાતના મહેસાણા જિલ્લાના એક નાના ગામ વડનગરમાં 17 સપ્ટેમ્બર 1950ના રોજ થયો હતો. તે એક સાધારણ પરિવારમાંથી આવે છે. પીએમ મોદીની જીવન યાત્રા દેશવાસીઓ માટે એક પ્રેરણા છે. તેમના બાળપણના પણ અનેક એવા રોચક કિસ્સાઓ છે. જેને જાણીએ
રેલવે સ્ટેશન પર વેચી ચા
પીએમ મોદીનો પરિવાર અત્યંત સાદી પૃષ્ઠભૂમિનો હતો. એવા સંજોગોમાં નરેન્દ્ર મોદી બાળપણમાં તેમના પિતા દામોદરદાસને રેલવે સ્ટેશન પર ચાની દુકાનમાં મદદ કરતા. તેમનો આ સંઘર્ષ જ તેમની ઓળખ બની ગયો અને જ્યારે 26 મે 2014ની સાંજે તેમણે પ્રથમ વખત ભારતના વડાપ્રધાન પદની શપથ લીધા, ત્યારે આ વાત ચર્ચામાં રહી કે એક ચા વેચનારે દેશસેવાની પ્રત્યેની લાગણી અને નિષ્ઠાથી એટલું મોટું સ્થાન પ્રાપ્ત કર્યું. આ માહિતી pmindia.gov.inના Personal Life Story વિભાગમાં પણ નોંધાયેલ છે.
મગરના બાળકને ઘરે લાવ્યા હતા
પીએમ મોદી વિશે એક રસપ્રદ કિસ્સો એ પણ છે કે, બાળપણમાં તેઓ તળાવમાં ન્હાવા ગયા હતા. ત્યાંથી તેમણે એક નાનું મગરનું બચ્ચુ પકડી લીધું અને તેને ઘરે લઇ આવ્યા. જ્યારે માતા હીરાબાએ તેમને સમજાવ્યું કે બાળકને એની માતાથી અલગ ન કરવું જોઈએ, ત્યારે નરેન્દ્ર મોદી એ મગરના બચ્ચાને પાછું છોડી આવ્યા. એક ઇન્ટરવ્યુ દરમિયા પીએમ મોદીએ પોતે આ ઘટના શેર કરી હતી.
ડૂબી રહેલા બાળકનું જીવન બચાવ્યું
પીએમ મોદીના બાળપણનો એક કિસ્સો એવો પણ છે કે તેમણે તળાવમાં ડૂબતા એક બાળકનો જીવ બચાવ્યો હતો. આ ઘટના દરમિયાન દરેકે તેમના સાહસ અને બહાદૂરીની વહાવહાઇ કરી હતી . આ કિસ્સો Bal Narendra - Childhood Stories of Narendra Modi નામની કોમિક બુકમાં ઉલ્લેખ છે.
ભોજન સ્ટોલ ચલાવ્યો
પીએમ મોદીની સેવા પ્રત્યેની નિષ્ઠા બાળપણથી જ દેખાઈ આવે છે. જ્યારે તેઓ માત્ર 9 વર્ષની ઉંમરના હતા, ત્યારે પણ સેવા કાર્યમાં ઊંડો રસ લેતા. જ્યારે તાપી નદીમાં પૂર આવ્યુ હતુ ત્યારે 9 વર્ષના નરેન્દ્ર મોદીએ તેમના મિત્રો સાથે મળીને ભોજન સ્ટોલ પણ ચલાવ્યો હતો. આ દરમ્યાન જે કમાણી થઈ હતી, તે પૂરગ્રસ્તોને દાનમાં આપી દેવામાં આવી હતી.