અમદાવાદના ખાડિયા વિસ્તારમાં એક ચૂંટણીલક્ષી સભાને સંબોધતા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કોંગ્રેસ અને વિપક્ષો પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે ભૂતકાળના ભયના માહોલને યાદ કરતા જણાવ્યું હતું કે, જ્યારે ભાજપ શાસનમાં નહોતી ત્યારે જનતા સતત ડરના ઓથાર હેઠળ જીવતી હતી. ખાસ કરીને ખાડિયાની સાંકડી ગલીઓમાં ભાજપના કાર્યકરોએ જ જનતાનું રક્ષણ કર્યું છે.

 રથયાત્રામાં ભગવાનને પણ બુલેટપ્રૂફ રથમાં લઈ જવા પડતા

સંઘવીએ લતીફના યુગનો ઉલ્લેખ કરતા કહ્યું કે, "એક સમયે લતીફના નામે આખું કર્ણાવતી ભયમાં જીવતું હતું. સ્થિતિ એવી હતી કે રથયાત્રામાં ભગવાનને પણ બુલેટપ્રૂફ રથમાં લઈ જવા પડતા હતા અને વડીલો સાંજ પડતા જ દીકરીઓને ઘરમાં સુરક્ષિત કરી લેતા હતા." તેમણે ઉમેર્યું કે ભાજપના રાજમાં હવે દીકરીઓ સુરક્ષિત છે અને લોકો આખી રાત નવરાત્રી રમી શકે છે. નાના વેપારીઓના હિતોનું પણ આ સરકારે પૂરેપૂરું ધ્યાન રાખ્યું છે.

'ચૌદશ' અને વિપક્ષો પર કટાક્ષ

પોતાના આગવા અંદાજમાં તેમણે કહ્યું કે, "દરેક સમાજ કે સોસાયટીમાં એકાદી 'ચૌદશ' નીકળે જ છે, પરંતુ ચૂંટણી શરૂ થાય તે પહેલા જ અમે આવી ચૌદશોને સીધા કરી દીધા છે." તેમણે કોંગ્રેસ, આપ અને અન્ય વિપક્ષોને 'કોંગ્રેસીયા, આપિયા અને પાપીયા' કહીને સંબોધ્યા હતા અને ઉમેર્યું કે કોંગ્રેસીઓ સવારથી મારું નામ ન લે ત્યાં સુધી તેમનો દિવસ પૂરો થતો નથી.

બુલડોઝરની ગર્જના

ગુનાખોરી સામે કડક વલણ અપનાવતા તેમણે કહ્યું કે, "આજે દાદાનું બુલડોઝર ધંધુકા સુધી પહોંચી ગયું છે. કિશન ભરવાડની હત્યા કરનાર મૌલવીને જેલમાં નાખ્યો છે અને તેને કડકમાં કડક સજા કરાવીને જ જંપીશું." સામાન્ય લોકો પર અત્યાચાર કરનારાઓને કોઈ પણ સંજોગોમાં છોડવામાં નહીં આવે તેવી તેમણે ખાતરી આપી હતી.


આ પણ  વાંચો---    Gandhinagar : વ્યાજખોરો પર ગુજરાત પોલીસની સર્જિકલ સ્ટ્રાઈક, એક મહિનામાં 136 જેલ ભેગા, 110 ગુનાઓ દાખલ કરાયા