ગુજરાતમાં લોકશાહીના પર્વ સમાન સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો માહોલ જામ્યો છે ત્યારે આચારસંહિતાના કડક અમલ માટે ચૂંટણી પંચની સાથે હવે પોલીસ અને સાયબર ક્રાઈમ વિભાગ પણ એક્શન મોડમાં આવ્યું છે. ડિજિટલ યુગમાં સોશિયલ મીડિયા પ્રચારનું શક્તિશાળી માધ્યમ બન્યું છે, ત્યારે તેનો દુરુપયોગ રોકવા માટે સાયબર ક્રાઈમની ટીમ 24 કલાક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર નજર રાખી રહી છે.
દુષ્પ્રચાર અને અફવાઓ પર પ્રતિબંધ
ચૂંટણી દરમિયાન ઉમેદવારો અને રાજકીય પક્ષો મતદારો સુધી પહોંચવા માટે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપનો ભરપૂર ઉપયોગ કરી રહ્યા છે. જોકે, આ દરમિયાન કોઈને બદનામ કરવાના ઇરાદે પોસ્ટર વાયરલ કરવા, ખોટી અફવાઓ ફેલાવવી કે ભડકાઉ ભાષણો દ્વારા શાંતિ ડહોળવાનો પ્રયાસ કરનારા તત્વો સામે લાલ આંખ કરવામાં આવી છે. સાયબર ક્રાઈમની સ્પેશિયલ ટીમ દરેક પોસ્ટ અને વીડિયોનું બારીકાઈથી નિરીક્ષણ કરી રહી છે.













