અમરેલી જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો માહોલ ચરમસીમાએ છે ત્યારે લાઠી તાલુકા પંચાયતની ચાવંડ બેઠક પર રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે. આ બેઠક પર ગત મોડી રાત્રે કોંગ્રેસના ઉમેદવારના બેનરો અને પોસ્ટરો ફાડવાની ઘટના સામે આવતા ભારે તંગદિલી સર્જાઈ છે. આ મામલે કોંગ્રેસ દ્વારા ભાજપ પર ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે.
પરિવારના જ બે સભ્યો વચ્ચે જંગ
ચાવંડ બેઠક હાલ સમગ્ર ગુજરાતમાં ચર્ચાનું કેન્દ્ર છે, કારણ કે અહીં જંગ એક જ પરિવારના બે સભ્યો વચ્ચે છે. ભાજપ તરફથી સુપ્રસિદ્ધ લોકસાહિત્યકાર માયાભાઈ આહીરના દીકરી સોનલબેન ડેર ચૂંટણી મેદાનમાં છે, જ્યારે તેમની સામે કોંગ્રેસે શાંતુબેન ડેરને ઉમેદવાર બનાવ્યા છે. આ પારિવારિક છતાં રાજકીય લડાઈ હવે પોસ્ટર ફાડવા સુધી પહોંચી ગઈ છે.
દબાણ અને આક્ષેપોનો દોર
કોંગ્રેસના અગ્રણી નેતા જેની ઠુમ્મરે આ ઘટના અંગે ભાજપ પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે આક્ષેપ કર્યો છે કે, કોંગ્રેસના ઉમેદવાર શાંતુબેન પર ઉમેદવારી ફોર્મ પરત ખેંચવા માટે સતત દબાણ કરવામાં આવી રહ્યું હતું. જ્યારે ઉમેદવારે મચક ન આપી અને ફોર્મ પરત ન ખેંચ્યું, ત્યારે ગભરાઈ ગયેલા ભાજપના કાર્યકરોએ રાત્રિના અંધકારમાં કોંગ્રેસના બેનરો ફાડી નાખ્યા છે.
પોલીસ કાર્યવાહી
બેનરો ફાટવાની આ ઘટના બાદ કોંગ્રેસના ઉમેદવાર શાંતુબેન ડેર દ્વારા લાઠી પોલીસ મથકમાં લેખિત અરજી આપવામાં આવી છે. કોંગ્રેસે માંગ કરી છે કે લોકશાહીના પર્વમાં આ પ્રકારે ગુંડાગીરી કરનારા તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવે.
આ પણ વાંચો--- Dahod: કાળજું કંપાવતી ઘટના, કૌટુંબિક કંકાસમાં માતાએ 4 સંતાનો સાથે કૂવામાં ઝંપલાવ્યું, 3 માસૂમ બાળકોના મોતથી પંથકમાં અરેરાટી