ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ જામ્યો છે ત્યારે નેતાઓ માટે જનતા વચ્ચે જવું કપરા ચઢાણ સાબિત થઈ રહ્યું છે. ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના બારીયા ગામે ચૂંટણી પ્રચાર કરવા પહોંચેલા ધારાસભ્ય બલરાજસિંહ ચૌહાણને સ્થાનિક પશુપાલકોના ઉગ્ર રોષનો સામનો કરવો પડ્યો હતો. ડેરી વિવાદને લઈને ગ્રામજનોએ ધારાસભ્યના કાફલાને ગામમાં પ્રવેશતા અટકાવી દેતા રાજકીય માહોલ ગરમાયો છે.
શું છે વિવાદનું મુખ્ય કારણ?
દહેગામ તાલુકાના પશુપાલકોનો વર્ષો જૂનો પ્રશ્ન 'દૂધ ઉત્પાદક સંઘ'ની પસંદગીનો છે. હાલમાં દહેગામના પશુપાલકોનું દૂધ અમદાવાદની 'ઉત્તમ ડેરી' માં લેવામાં આવે છે. જોકે, ભૌગોલિક અનુકૂળતા અને અન્ય લાભોને ધ્યાને રાખીને પશુપાલકો લાંબા સમયથી માંગ કરી રહ્યા છે કે તેમનું દૂધ ગાંધીનગર જિલ્લાની પોતાની 'મધુર ડેરી' માં સ્વીકારવામાં આવે. અનેક રજૂઆતો છતાં આ પ્રશ્નનો ઉકેલ ન આવતા પશુપાલકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે.
ચોટદાર સૂત્રોચ્ચાર અને વિરોધ
ચૂંટણી પ્રચાર માટે ભાજપના કાફલાને ગામના પાદરે જોતા જ પશુપાલકો એકઠા થઈ ગયા હતા. ગ્રામજનોએ "વાદ નહીં વિવાદ નહીં, મધુર સિવાય વાત નહીં" ના નારા લગાવી આખું ગામ ગજવી મૂક્યું હતું. પશુપાલકોએ આક્રમક વલણ અપનાવી સ્પષ્ટ કર્યું હતું કે જ્યાં સુધી ડેરીનો પ્રશ્ન હલ નહીં થાય ત્યાં સુધી કોઈ પણ પ્રકારનો ચૂંટણી પ્રચાર સ્વીકારવામાં આવશે નહીં.
ચૂંટણી પર અસરની ભીતિ
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ ટાણે જ ગ્રામજનોએ બતાવેલી આ મક્કમતા સત્તાધારી પક્ષ માટે ચિંતાનો વિષય બની છે. જો સમયસર પશુપાલકોની આ માંગણી પર કોઈ નક્કર નિર્ણય લેવામાં નહીં આવે, તો આગામી મતદાનમાં આ રોષ ભાજપને ભારે પડી શકે તેમ છે. હાલમાં આ ઘટનાના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે અને દહેગામના રાજકારણમાં ગરમાવો વધી ગયો છે.
આ પણ વાંચો---- Local Body Elections 2026 : પંચમહાલ કોંગ્રેસમાં ભૂકંપ, જિલ્લા પ્રમુખ ચેતનસિંહ પરમારે કેસરીયો ધારણ કરતા કોંગ્રેસ પાયમાલ