ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપના ઐતિહાસિક વિજય બાદ પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ વિપક્ષ પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે જણાવ્યું હતું કે, પરિવર્તનની ખોટી વાતો કરનારા અને નિમ્ન કક્ષાની રાજનીતિ કરનારા વિપક્ષને ગુજરાતની જનતાએ સણસણતો જવાબ આપ્યો છે. આ ચૂંટણીમાં ભાજપને મળેલા જંગી વોટ શેરે સાબિત કરી દીધું છે કે જનતાને માત્ર અને માત્ર નરેન્દ્ર મોદીજીના વિકાસ મોડેલ પર જ ભરોસો છે.
ચૂંટણીના આંકડાકીય સમીકરણો
જીતુ વાઘાણીએ વોટ શેરના ચોંકાવનારા આંકડા રજૂ કરતા જણાવ્યું કે, આ ચૂંટણીમાં ભાજપને 74.96% જંગી વોટ શેર મળ્યો છે, જેની સામે કોંગ્રેસ માત્ર 17.41% અને આમ આદમી પાર્ટી (AAP) 5.10% માં સમેટાઈ ગઈ છે. તેમણે ટોણો મારતા કહ્યું કે, જે પક્ષો એક-બે બેઠકો જીતીને આખા રાજ્યમાં વિજય થયો હોય તેવો દેખાવ કરે છે, તેમને જનતાએ તેમની સાચી જગ્યા બતાવી દીધી છે. ભાવનગર મહાનગરપાલિકામાં સતત સાતમી વાર ભાજપનો વિજય એ એક મોટા સંશોધનનો વિષય છે.
