ભરૂચમાં પણ મિશ્ર પરિણામો જોવા મળ્યા છે, જેમાં ભરૂચ નગરપાલિકાના વોર્ડ નંબર 4  માં ભાજપની પેનલનો ભવ્ય વિજય થયો છે, જ્યારે વાલીયા જિલ્લા પંચાયતની બેઠક પર ભાજપના સેવંતુ વસાવાએ 2500 મતોની જંગી સરસાઈથી જીત હાંસલ કરી છે.

ભરૂચ અને વડોદરાના પરિણામોનું વિશ્લેષણ

ભરૂચ નગરપાલિકાના 11 વોર્ડની કુલ 44 બેઠકોમાંથી હાલના વલણો મુજબ ભાજપ અને કોંગ્રેસ બંને 08-08 બેઠકો પર આગળ છે. ભરૂચ તાલુકા પંચાયતની 30 બેઠકોમાંથી ભાજપે 5  અને કોંગ્રેસે 2 બેઠકો મેળવી છે, જેમાં ભાજપની 2  બેઠકો બિનહરીફ જાહેર થઈ હતી. વડોદરામાં વોર્ડ 13 માં ભાજપની આખી પેનલ વિજેતા થઈ છે, જેના કારણે કોંગ્રેસના દિગ્ગજ નેતા બાળુ સૂર્વે અને તેમની પેનલને હારનો સામનો કરવો પડ્યો છે.

મધ્ય ગુજરાત અને આણંદની સ્થિતિ

આણંદ મહાનગરપાલિકામાં ભાજપના હરેકૃષ્ણ પટેલ વોર્ડ નંબર 8  માં વિજેતા બન્યા છે, જ્યારે અન્ય ત્રણ બેઠકો અગાઉ જ બિનહરીફ થઈ હતી. અંકલેશ્વર નગરપાલિકાના વોર્ડ નંબર 6  માં પણ ભાજપની પેનલે જીત નોંધાવી પોતાની પકડ મજબૂત કરી છે. જોકે, ભરૂચ નગરપાલિકાના વોર્ડ નંબર ૨ માં કોંગ્રેસની પેનલે જીત મેળવી ભાજપને ટક્કર આપી છે, તેમજ ભરૂચ તાલુકાની સેગવા બેઠક પર કોંગ્રેસના કપિલા વસાવા વિજેતા જાહેર થયા છે.

કોંગ્રેસની મર્યાદિત પણ મહત્વની જીત

ગાંધીનગર અને કચ્છમાં કોંગ્રેસે કેટલીક બેઠકો પર પોતાનું વર્ચસ્વ જાળવી રાખ્યું છે. ગાંધીનગરની કલોલ નગરપાલિકાના વોર્ડ નંબર 2 માં કોંગ્રેસની પેનલ વિજેતા બની છે. તેવી જ રીતે, કચ્છના ભુજમાં વોર્ડ 2  માં કોંગ્રેસની પેનલનો વિજય થયો છે, જેમાં અંજલિ ગોર, કાસમ કેવર, નરેન્દ્ર ભીલ અને રોશનબેન ત્રાયા જેવા ઉમેદવારોએ જીત મેળવી કોંગ્રેસનો ગઢ સાચવી રાખ્યો છે. એકંદરે મોટાભાગના વિસ્તારોમાં ભાજપનું પલ્લું ભારે રહ્યું છે.

આ પણ વાંચો: Gujarat Local Body Election Results 2026 Live: જંગલેશ્વર ડિમોલેશનનો મુદ્દો ભાજપ માટે નુકસાનકારક સાબિત થયો, બુલડોઝરમાં ભાજપ કચડાયું!