ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ખેડા જિલ્લામાંથી એક એવી ઘટના સામે આવી છે જે રાજ્યના ઈતિહાસમાં પ્રથમવાર બની છે. ખેડા જિલ્લાના નવરચિત ફાગવેલ તાલુકા પંચાયતની ચૂંટણી પ્રક્રિયા દરમિયાન ચિખલોડ બેઠક પરથી તમામ ઉમેદવારોએ એકસાથે પોતાના ઉમેદવારી ફોર્મ પરત ખેંચી લેતા રાજકીય આલમમાં સન્નાટો વ્યાપી ગયો છે.

મુખ્ય પક્ષો અને અપક્ષ સહિતના તમામ 4 ઉમેદવારોએ પોતાના પત્રો પાછા ખેંચ્યા

ચિખલોડ બેઠક પરથી ચૂંટણી લડી રહેલા મુખ્ય પક્ષો અને અપક્ષ સહિતના તમામ 4 ઉમેદવારોએ પોતાના પત્રો પાછા ખેંચ્યા છે. જેમાં ભાજપના ઉમેદવાર ભાવનાબેન મનોહરભાઈ પરમાર, કોંગ્રેસના સોનલબેન સુરેશભાઈ પરમાર તેમજ બે અપક્ષ ઉમેદવારો ઇલાબેન શર્મા અને વિજયભાઈ શર્માનો સમાવેશ થાય છે. ગુજરાતમાં સંભવતઃ આ પ્રથમ ઘટના છે જ્યાં કોઈ એક બેઠક પરથી તમામ પક્ષો અને અપક્ષોએ સામૂહિક રીતે ફોર્મ પરત ખેંચ્યા હોય.

વિરોધનું મુખ્ય કારણ

આ આકરા નિર્ણય પાછળ સીમાંકનનો વિવાદ મુખ્ય જવાબદાર છે. ચિખલોડ ગામને અગાઉના કપડવંજ તાલુકામાંથી હટાવીને નવરચિત ફાગવેલ તાલુકામાં સમાવેશ કરવામાં આવ્યો હતો, જેનો ગ્રામજનો લાંબા સમયથી વિરોધ કરી રહ્યા છે. ગ્રામજનોની માંગ છે કે ચિખલોડને કપડવંજ તાલુકામાં જ યથાવત રાખવામાં આવે. આ મામલે અગાઉ ગ્રામજનોએ ઉપવાસ આંદોલન પણ કર્યું હતું. હવે ચૂંટણીના બહિષ્કારના ભાગરૂપે તમામ ઉમેદવારોએ મેદાન છોડી દઈને સરકાર સામે પોતાનો વિરોધ નોંધાવ્યો છે.


આ પણ વાંચો---    Local Body Elections 2026 : ફોર્મ ખેંચવાના છેલ્લા દિવસે અનેક બેઠકો પર રાજકીય સમીકરણો બદલાયા, 3 વાગ્યા સુધી 10 મનપામાં 51 ફોર્મ પરત ખેંચાયા