મહેસાણા જિલ્લામાં આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત વિવિધ બેઠકો પર શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ છે. ઉનાળાની કાળઝાળ ગરમીની અસર મતદાન પર પણ જોવા મળી હતી, જેના કારણે બપોરના સમયે મતદાન મથકો પર મતદારોનો ઉત્સાહ થોડો ઓછો જણાતો હતો. જોકે, સવારના અને સાંજના સમયે લોકોએ ઉત્સાહભેર મતદાન કર્યું હતું. મહેસાણા મહાનગરપાલિકામાં સાંજે 6 વાગ્યા સુધી 53.16 ટકા જેટલું મતદાન નોંધાયું છે, જે શહેરી વિસ્તારની જાગૃતિ દર્શાવે છે.


નગરપાલિકા અને પંચાયતોમાં આંકડાકીય સ્થિતિ

જિલ્લાની નગરપાલિકાઓ અને પંચાયતોમાં પણ મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. પ્રાપ્ત આંકડા મુજબ, નગરપાલિકાઓમાં સૌથી વધુ 61.71 ટકા મતદાન નોંધાયું છે. જ્યારે જિલ્લા પંચાયતની બેઠકો માટે 59.88 ટકા અને તાલુકા પંચાયત માટે 55 ટકા મતદાન થયું છે. સમગ્ર જિલ્લાની કુલ 466 બેઠકો માટે મેદાનમાં ઉતરેલા 908 જેટલા ઉમેદવારોની રાજકીય કારકિર્દી અત્યારે મશીનોમાં સીલ થઈ ગઈ છે. ગ્રામ્ય અને શહેરી બંને વિસ્તારોમાં વહીવટી તંત્ર દ્વારા વ્યવસ્થિત આયોજન કરવામાં આવ્યું હતું.

ચુસ્ત બંદોબસ્ત અને હવે મંગળવારે જનાદેશ

સમગ્ર મતદાન પ્રક્રિયા દરમિયાન જિલ્લામાં ક્યાંય પણ કોઈ અનિચ્છનીય બનાવ બન્યો નથી અને શાંતિપૂર્ણ રીતે પ્રક્રિયા સંપન્ન થઈ છે. સાંજે 6 વાગ્યે સમય મર્યાદા પૂર્ણ થતા જ પ્રિસાઇડિંગ ઓફિસરો દ્વારા રાજકીય પક્ષોના પ્રતિનિધિઓની હાજરીમાં EVM મશીનો સીલ કરવામાં આવ્યા હતા. આ મશીનોને હવે સુરક્ષિત રીતે સ્ટ્રોંગ રૂમ ખાતે ખસેડવામાં આવ્યા છે. હવે સૌની નજર 28 એપ્રિલ, મંગળવારના રોજ થનારી મતગણતરી પર છે, જે દિવસે નક્કી થશે કે મહેસાણાની જનતાએ કોના પર વિશ્વાસ મૂક્યો છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: