જૂનાગઢ જિલ્લામાં આજે યોજાયેલા જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીની મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ છે. કાળઝાળ ગરમી અને રવિવારની રજા હોવા છતાં મતદારોમાં મધ્યમથી સારો ઉત્સાહ જોવા મળ્યો હતો. સમગ્ર જિલ્લામાં સરેરાશ 60.56 ટકા જેટલું મતદાન નોંધાયું છે.
માળિયા હાટીનામાં સૌથી વધુ, જૂનાગઢ શહેરી વિસ્તારમાં નીરસતા
જૂનાગઢ જિલ્લાના વિવિધ તાલુકાઓમાં મતદાનના આંકડા પર નજર કરીએ તો માળિયા હાટીના તાલુકામાં મતદારોએ સૌથી વધુ ઉત્સાહ બતાવ્યો છે, જ્યાં સૌથી વધુ 66.80 ટકા મતદાન થયું છે. બીજી તરફ, જૂનાગઢ તાલુકામાં સૌથી ઓછું 57.27 ટકા મતદાન નોંધાયું છે. વિસાવદર અને ભેસાણ પંથકમાં પણ મતદાનની ટકાવારી 60 ટકાની નીચે રહી હતી.













