અમદાવાદમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના મતદાન દરમિયાન દાણીલીમડા વિસ્તારમાં ગંભીર હિંસાની ઘટના સામે આવી છે. દાણીલીમડામાં આવેલી MS પબ્લિક શાળામાં મતદાન ચાલી રહ્યું હતું તે દરમિયાન અચાનક બે જૂથો સામસામે આવી ગયા હતા. આ બોલાચાલી જોતજોતામાં ઉગ્ર મારામારીમાં ફેરવાઈ ગઈ હતી. આ અથડામણના કારણે મતદાન મથક પર અફડાતફડી મચી ગઈ હતી અને અન્ય મતદારોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. ઘટનાની ગંભીરતાને જોતા વધારાનો પોલીસ કાફલો તાત્કાલિક સ્થળ પર રવાના કરવામાં આવ્યો હતો.


ભાજપ ઉમેદવાર વિનોદ ચંદ્ર પરમાર પર હુમલો

આ હિંસક ઘર્ષણ દરમિયાન દાણીલીમડા વોર્ડના ભાજપના ઉમેદવાર વિનોદ ચંદ્ર પરમારને ગંભીર ઈજાઓ પહોંચી છે. મળતી માહિતી મુજબ, ઘર્ષણ વખતે થયેલા હુમલાને કારણે વિનોદ ચંદ્ર પરમાર સ્થળ પર જ બેભાન થઈ ગયા હતા. તેમની હાલત નાજુક જણાતા તેમને તાત્કાલિક અસરથી મણિનગરની LG હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. હોસ્પિટલ ખાતે ભાજપના અન્ય અગ્રણીઓ અને કાર્યકરો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે, જેના પગલે હોસ્પિટલ પરિસરમાં પણ પોલીસ બંદોબસ્ત વધારી દેવામાં આવ્યો છે.

પોલીસની કાર્યવાહી અને સ્થિતિ પર નિયંત્રણ

આ ઘટનાને પગલે દાણીલીમડા વિસ્તારમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાઈ છે. ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિતનો કાફલો MS પબ્લિક શાળા ખાતે પહોંચી ગયો છે અને સ્થિતિને કાબૂમાં લેવા પ્રયાસો હાથ ધર્યા છે. પોલીસે હિંસા આચરનાર તત્વોની ઓળખ કરવા માટે સીસીટીવી ફૂટેજ અને સ્થાનિક સાક્ષીઓની પૂછપરછ શરૂ કરી છે. હાલમાં આ વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને અન્ય કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ દ્વારા પેટ્રોલિંગ સઘન બનાવવામાં આવ્યું છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: