અમદાવાદ શહેરના 48 વોર્ડમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ ગઈ છે. શહેરમાં કુલ સરેરાશ 47 ટકા મતદાન નોંધાયું છે. મતદાન પૂર્ણ થતાં જ તમામ મતદાન મથકો પર ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીનો (EVM)ને કડક સુરક્ષા વચ્ચે સીલ કરવામાં આવ્યા છે. હવે તમામ ઉમેદવારોનું ભવિષ્ય EVMમાં બંધ થઈ ગયું છે અને 28 એપ્રિલે મતગણતરી હાથ ધરવામાં આવશે.
15 મહાનગરપાલિકાઓમાં સરેરાશ 49 ટકા મતદાન
અમદાવાદ સિવાય રાજ્યભરમાં પણ મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થઈ છે. 15 મહાનગરપાલિકાઓમાં સાંજે 6 વાગ્યા સુધી સરેરાશ 49 ટકા મતદાન નોંધાયું છે. નગરપાલિકાઓમાં 58.12 ટકા મતદાન થયું છે, જ્યારે 34 જિલ્લા પંચાયતોમાં 60.21 ટકા મતદાન નોંધાયું છે. તાલુકા પંચાયતોમાં સૌથી વધુ 61 ટકા મતદાન નોંધાયું છે, જે ગ્રામ્ય વિસ્તારોમાં મતદારોના ઊંચા ઉત્સાહને દર્શાવે છે.













