મોરબી જિલ્લા અને નવનિર્મિત મહાનગરપાલિકા માટે યોજાયેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીની મતદાન પ્રક્રિયા આજે સાંજે 6 વાગ્યે પૂર્ણ થઈ છે. સવારથી જ મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો, જેના પરિણામે મોરબી મહાનગરપાલિકા વિસ્તારમાં અંદાજે 60 ટકા જેટલું ઊંચું મતદાન નોંધાયું છે. મતદાન પ્રક્રિયા પૂર્ણ થતાની સાથે જ વહીવટી તંત્ર દ્વારા EVM સીલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.


મોરબીમાં મતદાનનો મિજાજ

મોરબી મહાનગરપાલિકા બન્યા બાદની આ પ્રથમ મોટી ચૂંટણી હોવાથી લોકોમાં અનેરો થનગનાટ હતો. સવારના 11 વાગ્યા સુધીમાં મોરબીમાં 26.15 ટકા સાથે રાજ્યમાં સૌથી વધુ મતદાન નોંધાયું હતું, જે ટ્રેન્ડ સાંજ સુધી જળવાઈ રહ્યો હતો. શાંતિપૂર્ણ માહોલમાં અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી નગરના વિકાસ માટે મહારથિઓની પસંદગી કરી છે.

હવે 28મી એ આવશે પરિણામ

સાંજે 6 વાગ્યાના ટકોરે મતદાન મથકોના દરવાજા બંધ થયા બાદ ચૂંટણી સ્ટાફ દ્વારા પોલિંગ એજન્ટોની હાજરીમાં EVM (Electronic Voting Machines) ને સીલ કરી સ્ટ્રોંગ રૂમ ખાતે મોકલવાની તજવીજ શરૂ કરવામાં આવી છે. હવે તમામ ઉમેદવારોના ભાવી આ મશીનોમાં કેદ થયા છે. આ ચૂંટણીના પરિણામો આગામી 28મી એપ્રિલના રોજ જાહેર કરવામાં આવશે.


આ પણ વાંચો - Local Body Elections 2026: લોકશાહીના પર્વમાં બે વિરોધાભાસી ચિત્રો; સુરેન્દ્રનગરમાં નવવધૂઓએ મતદાન કર્યું, જ્યારે વડોદરામાં વરરાજાને ખાલી હાથે પરત ફરવું પડ્યું


  • Follow us on: