બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકાના વેરા ગામમાં આજે મતદાન પ્રક્રિયા દરમિયાન ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ગામના મતદારોનું અન્ય વિસ્તારમાં વિભાજન કરી દેવામાં આવતા રોષે ભરાયેલા ગ્રામજનોએ મતદાનનો બહિષ્કાર કર્યો હતો. જોકે, વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ દોડી આવતા અને આશ્વાસન આપતા આખરે મામલો થાળે પડ્યો હતો.


એક વર્ષની રજૂઆત છતાં તંત્ર નિષ્ક્રિય

સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર, વેરા ગામના મતદારોના વિભાજનનો પ્રશ્ન છેલ્લા 12 મહિનાથી સળગી રહ્યો છે. ગ્રામજનોએ આ મામલે એક વર્ષ પહેલા પણ તંત્રને લેખિત અને મૌખિક રજૂઆતો કરી હતી. તેમ છતાં, તંત્ર દ્વારા આ અવગણના કરવામાં આવતા આજે ચૂંટણીના દિવસે ગ્રામજનોનો રોષ ફાટી નીકળ્યો હતો અને લોકો મતદાનથી અળગા રહ્યા હતા.

તંત્ર દોડતું થયું, અધિકારીઓએ આપ્યું આશ્વાસન

વેરા ગામમાં એક પણ મત ન પડતા જિલ્લા ચૂંટણી તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. સમાચાર મળતા જ તાલુકા અને જિલ્લાના વહીવટી અધિકારીઓ તાત્કાલિક વેરા ગામે પહોંચ્યા હતા. અધિકારીઓએ ગ્રામજનો સાથે બેઠક કરી હતી અને તેમની માંગણીઓ અંગે યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી.

આખરે લોકશાહીનો વિજય

અધિકારીઓના હકારાત્મક આશ્વાસન બાદ ગ્રામજનોએ પોતાનો વિરોધ સમેટી લીધો હતો અને મતદાન પ્રક્રિયામાં જોડાવા સંમતિ દર્શાવી હતી. મોડે મોડે પણ મતદાન શરૂ થતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો. હાલ ગામમાં શાંતિપૂર્ણ રીતે મતદાન ચાલુ છે.


આ પણ વાંચો - Local Body Elections 2026: લોકશાહીના પર્વમાં બે વિરોધાભાસી ચિત્રો; સુરેન્દ્રનગરમાં નવવધૂઓએ મતદાન કર્યું, જ્યારે વડોદરામાં વરરાજાને ખાલી હાથે પરત ફરવું પડ્યું



  • Follow us on: