સુરત મહાનગરપાલિકાની વર્ષ 2026ની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટેનું મતદાન આજે શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થયું છે. સવારના 7 વાગ્યાથી શરૂ થયેલા આ મહાકુંભમાં સુરતીઓએ મિશ્ર પ્રતિસાદ આપ્યો હતો. સાંજે 6 વાગ્યા સુધીમાં સુરતમાં અંદાજે 52.83 ટકા મતદાન નોંધાયું છે. મતદાન પ્રક્રિયા પૂર્ણ થતાની સાથે જ તમામ 30 વોર્ડના ઉમેદવારોના ભવિષ્ય હવે EVM મશીનમાં સીલ થઈ ગયા છે.
ચાઈના સ્ટ્રોંગરૂમમાં EVM કરાયા સુરક્ષિત
સાંજે 6 ના ટકોરે મતદાન મથકો બંધ થયા બાદ ચૂંટણી અધિકારીઓ દ્વારા પોલિંગ એજન્ટોની હાજરીમાં EVM મશીનોને સીલ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને વીડિયોગ્રાફી હેઠળ આ તમામ મશીનોને ચાઈના સ્ટ્રોંગરૂમ ખાતે મોકલવામાં આવ્યા છે. સ્ટ્રોંગરૂમની બહાર પેરામિલીટ્રી ફોર્સ અને સ્થાનિક પોલીસનો લોખંડી પહેરો ગોઠવી દેવામાં આવ્યો છે.













