ગુજરાતમાં આજે યોજાયેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણી અંતર્ગત પાટનગર ગાંધીનગર જિલ્લામાં મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થઈ છે. કાળઝાળ ઉનાળાની ગરમી વચ્ચે પણ મતદારોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. સવારના 7 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી ચાલેલા આ મતદાન બાદ હવે તમામ ઉમેદવારોના ભાવિ EVM મશીનમાં સીલ થઈ ગયા છે.


ચુસ્ત સુરક્ષા વચ્ચે EVM સીલ કરાયા

મતદાન પ્રક્રિયા પૂર્ણ થતાની સાથે જ ચૂંટણી પંચના અધિકારીઓ દ્વારા પોલિંગ એજન્ટોની હાજરીમાં EVM (Electronic Voting Machines) સીલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ગાંધીનગર જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાઓના ઉમેદવારોના મતો ધરાવતા આ મશીનોને લોખંડી પોલીસ બંદોબસ્ત હેઠળ સુરક્ષિત રીતે નક્કી કરેલા સ્ટ્રોંગ રૂમ ખાતે ખસેડવામાં આવ્યા છે. સ્ટ્રોંગ રૂમની બહાર સીસીટીવી કેમેરા અને સશસ્ત્ર જવાનોનો પહેરો ગોઠવી દેવામાં આવ્યો છે.

ગરમી છતાં મતદારોનો પ્રતિસાદ

આજે રવિવાર અને ઉપરથી કાળઝાળ ગરમી હોવા છતાં ગાંધીનગરના ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં મતદારો મતદાન મથક સુધી પહોંચ્યા હતા. વહીવટી તંત્ર દ્વારા પીવાના પાણી અને શેડની વ્યવસ્થા કરવામાં આવી હોવાથી મતદારોને હાલાકી ઓછી પડી હતી. ખાસ કરીને યુવા અને મહિલા મતદારોની સંખ્યા નોંધપાત્ર જોવા મળી હતી.

28 એપ્રિલે થશે મતગણતરી

તંત્ર દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, હવે 28 એપ્રિલ, મંગળવાર ના રોજ વહેલી સવારથી મતગણતરી હાથ ધરવામાં આવશે. ગાંધીનગર જિલ્લાની વિવિધ બેઠકો પર કોનો વિજય થશે અને કોની હાર, તેનો ફેંસલો પરમ દિવસે થશે. ત્યાં સુધી ઉમેદવારો અને રાજકીય પક્ષોના જીવ અધ્ધર થઈ ગયા છે.


આ પણ વાંચો - Local Body Election 2026 : કચ્છની 422 બેઠક પર મતદાન પૂર્ણ, 1065 ઉમેદવારોનું ભાવિ EVMમાં થયું સીલ


  • Follow us on: