સુરેન્દ્રનગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી-2026 અંતર્ગત આજે યોજાયેલા મતદાન દરમિયાન ચુડા તાલુકાના જેપર ગામમાં એક અણધારી ઘટના બની હતી. 2-ચુડા-1 જિલ્લા પંચાયત અને 6-ચુડા-1 તાલુકા પંચાયત મતદાર વિભાગ હેઠળ આવતા જેપરના મતદાન મથક નં. 4/5 (નવી પ્રાથમિક શાળા) ખાતે EVM ના કંટ્રોલ યુનિટ (CU) અને બેલેટ યુનિટ (BU) માં ગંભીર ટેકનિકલ ખામી સર્જાઈ હતી. આ ખામીને કારણે મતદાન પ્રક્રિયામાં અડચણ ઊભી થઈ હતી અને મતદારોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા પુનઃ મતદાનની મંજૂરી
ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સ્થાનિક ચૂંટણી અધિકારીએ તાત્કાલિક રાજ્ય ચૂંટણી આયોગનો સંપર્ક સાધ્યો હતો અને જેપર મતદાન મથક પર ફરીથી મતદાન યોજવા માટે દરખાસ્ત રજૂ કરી હતી. ચૂંટણી આયોગે પરિસ્થિતિની સમીક્ષા કર્યા બાદ આ દરખાસ્તને મંજૂરી આપી દીધી છે. આ નિર્ણયના પગલે હવે જેપર ગામના પ્રસ્તુત મતદાન મથક પર જૂનું મતદાન રદ ગણાશે અને આવતીકાલે નવેસરથી મતદાનની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.













