સંસ્કારી નગરી વડોદરામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટેનું મતદાન શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થયા બાદ હવે તમામ નજર પરિણામો પર ટકી છે. વડોદરા શહેરના 19 વોર્ડની ચૂંટણી પ્રક્રિયા સંપન્ન થતા જ તમામ મતદાન મથકો પરથી EVM મશીનોને પોલિટેકનિક ખાતે લાવવામાં આવ્યા હતા. અહીં કડક પોલીસ બંદોબસ્ત વચ્ચે આ મશીનોને સુરક્ષિત રીતે સ્ટ્રોંગ રૂમમાં રાખવામાં આવ્યા છે.
ચૂંટણી અધિકારીએ કર્યું નિરીક્ષણ
વડોદરા જિલ્લા ચૂંટણી અધિકારી અને મ્યુનિસિપલ કમિશનર અરૂણ મહેશ બાબુએ મોડી રાત્રે પોલિટેકનિક ખાતે મુલાકાત લીધી હતી. તેમણે સ્ટ્રોંગ રૂમની સુરક્ષા વ્યવસ્થા અને EVM જમા કરવાની પ્રક્રિયાનું પ્રત્યક્ષ નિરીક્ષણ કર્યું હતું. પોલિંગ બુથના અધિકારીઓ દ્વારા નિયમ મુજબ તમામ મશીનો સીલબંધ હાલતમાં જમા કરાવવામાં આવ્યા હતા.
કર્મચારીઓની કામગીરીને બિરદાવી
વડોદરા જિલ્લા ચૂંટણી અધિકારીએ સમગ્ર ચૂંટણી પ્રક્રિયામાં રાત-દિવસ જોયા વગર જોડાયેલા તમામ કર્મચારીઓ અને સુરક્ષાકર્મીઓની કામગીરીની પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, વહીવટી તંત્રના સંકલનને કારણે વડોદરામાં મતદાન પ્રક્રિયા કોઈ પણ અનિચ્છનીય બનાવ વગર પૂર્ણ થઈ છે.
મંગળવારે થશે ફેંસલો
હવે તમામ ઉમેદવારોના ભાવિ સ્ટ્રોંગ રૂમમાં કેદ છે. આગામી મંગળવારે (28 એપ્રિલ) સવારથી મતગણતરી હાથ ધરવામાં આવશે. મતદાન પૂર્ણ થતાની સાથે જ હવે ઉમેદવારો અને રાજકીય પક્ષોમાં હાર-જીતના ગણિત શરૂ થઈ ગયા છે, જેને કારણે વડોદરાનો રાજકીય માહોલ ગરમાયો છે.
વડોદરા જિલ્લા ચૂંટણી અધિકારી અનિલ ધામેલિયાએ જણાવ્યું હતું કે, તમામ EVM મશીનો પ્રોટોકોલ મુજબ સુરક્ષિત રીતે જમા કરી દેવામાં આવ્યા છે. સ્ટ્રોંગ રૂમની સુરક્ષા માટે થ્રી-લેયર પ્રોટેક્શન રાખવામાં આવ્યું છે.
આ પણ વાંચો - Local Body Elections 2026: વડોદરા જિલ્લામાં સરેરાશ ભારે મતદાન, વાઘોડિયા નગરપાલિકા 81.64% સાથે મોખરે