બનાસકાંઠા જિલ્લામાં આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત સવારે 7 વાગ્યાથી જ મતદાન મથકો પર મતદારોની લાંબી કતારો જોવા મળી હતી. સરહદી જિલ્લાના મતદારોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો, જે સાંજે 6 વાગ્યા સુધી સતત જળવાઈ રહ્યો હતો. કાળઝાળ ગરમી હોવા છતાં, બનાસકાંઠાની જનતાએ લોકશાહીના આ પર્વમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. જિલ્લાભરમાં ક્યાંય પણ કોઈ અનિચ્છનીય બનાવ વગર સંપૂર્ણ પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થતા વહીવટી તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે.
પંચાયત અને નગરપાલિકામાં આંકડાકીય વિગત
બનાસકાંઠા જિલ્લાના મતદાનના આંકડાઓ પર નજર કરીએ તો, ગ્રામીણ વિસ્તારોમાં શહેરી વિસ્તારોની સરખામણીએ વધુ મતદાન જોવા મળ્યું છે. જિલ્લા પંચાયત માટે 65.45 ટકા અને તાલુકા પંચાયતની બેઠકો માટે 65.76 ટકા જેટલું ઊંચું મતદાન નોંધાયું છે. જ્યારે જિલ્લાની વિવિધ નગરપાલિકાઓમાં પણ 63.26 ટકા મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી ઉમેદવારોનું ભવિષ્ય નક્કી કર્યું છે. પંચાયત સ્તરે થયેલું આ જંગી મતદાન સ્થાનિક વિકાસ અને પાયાના પ્રશ્નો પ્રત્યેની લોકજાગૃતિ સૂચવે છે.













