પંચમહાલ જિલ્લામાં આજે સ્થાનિક સ્વરાજની ચૂંટણી 2026 અંતર્ગત મતદાન પ્રક્રિયા અત્યંત ઉત્સાહપૂર્વક અને શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ છે. પંચમહાલ જિલ્લાની જનતાએ વહેલી સવારથી જ મતદાન મથકો પર પહોંચીને લોકશાહી પ્રત્યેની પોતાની ફરજ નિભાવી હતી. સમગ્ર જિલ્લામાં સરેરાશ 65 ટકા જેટલું ઊંચું મતદાન નોંધાયું છે.


જાંબુઘોડા તાલુકાનો ઐતિહાસિક રેકોર્ડ

આ ચૂંટણીમાં પંચમહાલના જાંબુઘોડા તાલુકાએ બાજી મારી છે. પછાત ગણાતા આ આદિવાસી વિસ્તારના મતદારોએ જાગૃતિનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. જાંબુઘોડામાં 80 ટકાથી પણ વધુ રેકોર્ડબ્રેક મતદાન નોંધાયું છે. આ આંકડો શહેરી વિસ્તારના સુશિક્ષિત મતદારો માટે એક મોટી શીખ સમાન છે, જેઓ ઘણીવાર ગરમી કે અન્ય બહાના હેઠળ મતદાન કરવાનું ટાળતા હોય છે.

વહીવટી તંત્રની સફળતા

પંચમહાલ જિલ્લા કલેક્ટર અને ચૂંટણી તંત્ર દ્વારા કરવામાં આવેલા જાગૃતિ અભિયાનના પગલે ગ્રામ્ય વિસ્તારોમાં સવારથી જ લાંબી કતારો જોવા મળી હતી. જિલ્લાના અન્ય તાલુકાઓ જેવા કે ગોધરા, હાલોલ, અને કાલોલમાં પણ મતદાનનો મિજાજ મધ્યમથી સારો રહ્યો હતો. ઉનાળાની કાળઝાળ ગરમી હોવા છતાં મતદારોના ઉત્સાહમાં કોઈ કમી જોવા મળી ન હતી.

EVM સીલ, હવે 28મીએ પરિણામ

સાંજે 6 વાગ્યાના ટકોરે મતદાન પૂર્ણ થતાની સાથે જ ચૂંટણી સ્ટાફ દ્વારા EVM (Electronic Voting Machines) સીલ કરવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. આ મશીનોને ચુસ્ત પોલીસ બંદોબસ્ત હેઠળ સ્ટ્રોંગ રૂમ ખાતે ખસેડવામાં આવ્યા છે. ઉમેદવારોના ભાગ્યનો ફેંસલો આગામી 28 એપ્રિલ, મંગળવાર ના રોજ મતગણતરી બાદ થશે.


આ પણ વાંચો - Local Body Elections 2026: વડોદરા જિલ્લામાં સરેરાશ ભારે મતદાન, વાઘોડિયા નગરપાલિકા 81.64% સાથે મોખરે


  • Follow us on: