વડોદરા જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ભાજપે આ વખતે ગ્લેમર અને યુવા શક્તિનો સમન્વય કર્યો છે. જાણીતા સોશિયલ મીડિયા સ્ટાર અને પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ અંકિતા પરમારને ભાજપે જિલ્લા પંચાયતના ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતાર્યા છે. જિમના શોખીન અને ફિટનેસ આઈકોન ગણાતા અંકિતા પરમારે પોતાની ઉમેદવારી સાથે જ મતદારોમાં ઉત્સાહ જગાડ્યો છે.
ફિટ ઇન્ડિયા અને મહિલા સશક્તિકરણ પર ભાર
પોતાની દાવેદારી અંગે ઉત્સાહ વ્યક્ત કરતા અંકિતા પરમારે જણાવ્યું હતું કે, "હું વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 'ફિટ ઇન્ડિયા'ના સૂત્રને આગળ ધપાવવા માંગુ છું. પીએમ મોદીએ હંમેશા યુવાઓ અને મહિલાઓને મોટી તક આપી છે. આજે દેશની મહિલાઓ દરેક ક્ષેત્રમાં આગળ વધી છે, ત્યારે લોકોના વિશ્વાસને સાર્થક કરવો એ જ મારો મુખ્ય લક્ષ્યાંક છે." તેમણે વધુમાં ઉમેર્યું કે આ સફરમાં તેમને તેમના પરિવારનો સંપૂર્ણ સહકાર મળી રહ્યો છે.
