વડોદરામાં ચૂંટણીના માહોલ વચ્ચે રાજકીય પારો ચરમસીમાએ પહોંચ્યો છે. વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોષીને સ્થાનિક લોકો અને નારાજ કાર્યકરોએ રસ્તામાં ઘેરી લેતા ભારે ચકચાર મચી ગઈ છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયોમાં લોકો ઋત્વિજ જોષીની કાર રોકીને તેમની સામે ગંભીર આક્ષેપો કરતા જોવા મળી રહ્યા છે.


"જવાબ આપો, પૈસા લઈને વેચાઈ ગયા?"

વાયરલ વીડિયો મુજબ, જ્યારે ઋત્વિજ જોષી પોતાની કારમાં પસાર થઈ રહ્યા હતા ત્યારે ગુસ્સે ભરાયેલા લોકોએ તેમની ગાડી અટકાવી હતી. આક્રોશિત સ્થાનિકો અને કાર્યકરોએ સીધો સવાલ પૂછ્યો હતો કે, "તમે પૈસા લઈને વેચાઈ ગયા છો? અમને જવાબ આપો." લોકોનો આક્ષેપ છે કે ચૂંટણી ટાણે પક્ષના હિતોને નુકસાન પહોંચાડીને આંતરિક સાંઠગાંઠ કરવામાં આવી રહી છે.

સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ

ચૂંટણી સમયે જ શહેર પ્રમુખ સામે થયેલા આ પ્રકારના વિરોધથી કોંગ્રેસ છાવણીમાં સોપો પડી ગયો છે. આ ઘટનાનો વીડિયો વાયુવેગે સોશિયલ મીડિયા પર પ્રસરતા વિરોધ પક્ષોને પણ બોલવાની તક મળી છે. બીજી તરફ, આ મામલે ઋત્વિજ જોષી કે પક્ષ દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર સ્પષ્ટતા કરવામાં આવી નથી. પરંતુ આ ઘટનાએ વડોદરા કોંગ્રેસમાં ચાલતા આંતરિક ડખા અને લોકોના અસંતોષને સપાટી પર લાવી દીધો છે.


આ પણ વાંચો----    Local Body Elections 2026 : ચૂંટણી જંગમાં AI ની એન્ટ્રી, ભાજપ-કોંગ્રેસના સોશિયલ મીડિયા વોર-રૂમ હવે થયા હાઈટેક, જાણો ડિજિટલ માયાજાળ

  • Follow us on: