વડોદરા જિલ્લાના સાવલી નગરપાલિકાની ચૂંટણીમાં ઉમેદવારી પત્ર ભરાય તે પહેલા જ ભારતીય જનતા પાર્ટીમાં ભંગાણના સંકેતો મળી રહ્યા છે. વોર્ડ નંબર 5 ની ટિકિટ ન મળતા મહિલા મોરચાના મહામંત્રી વૈશાલી પુરોહિતે પક્ષ સામે બગાવત કરી છે. અન્યાયનો આક્ષેપ કરી તેમણે પક્ષના તમામ હોદ્દા પરથી રાજીનામું ધરી દીધું છે.
વર્ષોની મહેનત છતાં અવગણનાનો આક્ષેપ
વૈશાલી પુરોહિતે પક્ષના નિર્ણય સામે ભારે આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, તેઓ વર્ષોથી પાયાના કાર્યકર તરીકે પક્ષની સેવા કરી રહ્યા છે, તેમ છતાં ટિકિટ ફાળવણીમાં તેમની ધરાર અવગણના કરવામાં આવી છે. પોતાની નારાજગી વ્યક્ત કરતા સમયે તેઓ ભાવુક થઈ ગયા હતા અને કેમેરા સામે જ રડી પડ્યા હતા. તેમણે આક્ષેપ કર્યો હતો કે પક્ષે ઉમેદવારોની પસંદગીમાં ભારે ગેરરીતિ કરી છે.
