સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામોની ઘડીઓ ગણાઈ રહી છે ત્યારે બનાસકાંઠા ભાજપમાં ભડકો થયો છે. વાવ-થરાદ પંથકના પૂર્વ જિલ્લા પંચાયત સદસ્ય ભુરાજી ઠાકોરે રાજ્ય મંત્રી સ્વરૂપજી ઠાકોર વિરુદ્ધ ગંભીર આક્ષેપો કરી ખળભળાટ મચાવી દીધો છે. ભુરાજી ઠાકોરે ખુલ્લેઆમ નિવેદન આપ્યું છે કે મંત્રીએ પક્ષમાં ‘વ્હાલા-દવાલા’ની નીતિ અપનાવી ભાજપની ઘોર ખોદી છે.
ટિકિટ ફાળવણીમાં અન્યાયનો આક્ષેપ
ભુરાજી ઠાકોરે આકરા પ્રહારો કરતા જણાવ્યું કે, મંત્રી સ્વરૂપજી ઠાકોરે ટિકિટ ફાળવણીમાં પાયાના કાર્યકરોની અવગણના કરી છે. અમારી માંગણી હોવા છતાં ઈરાદાપૂર્વક ટિકિટ ન આપી કોંગ્રેસમાંથી આવેલા નવા ઉમેદવારોને પ્રાધાન્ય આપ્યું છે. તેમણે ચેતવણી આપી છે કે મંત્રીની આ જોહુકમીનું ભયંકર પરિણામ ભાજપે ભોગવવું પડશે.













