બનાસકાંઠાના પાલનપુર નગરપાલિકાની ચૂંટણીમાં રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે. ખાસ કરીને પાલનપુરના વોર્ડ નં. 4 માં, જેને વર્ષોથી કોંગ્રેસનો મજબૂત ગઢ માનવામાં આવે છે, ત્યાં જ કોંગ્રેસ વિરોધી બેનરો લાગતા સ્થાનિક રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. સ્થાનિક રહીશોએ કોંગ્રેસના ઉમેદવારોના પ્રવેશ પર પ્રતિબંધ મુકતા બેનરો લગાવી આકરો વિરોધ નોંધાવ્યો છે.
પાંચ વર્ષની નિષ્ક્રિયતા સામે જનતાનો રોષ
વોર્ડ નં. 4 ના રહીશોનો આક્ષેપ છે કે છેલ્લા 5 વર્ષમાં આ વિસ્તારમાંથી જીતેલા કોંગ્રેસી નેતાઓએ પ્રજાલક્ષી કામોમાં ભારે ઉદાસીનતા દાખવી છે. વિસ્તારમાં વ્યાપ્ત ગંદકી, ઉભરાતી ગટરો અને પીવાના શુદ્ધ પાણીની વિકટ સમસ્યાઓનું કોઈ જ નિરાકરણ આવ્યું નથી. સ્થાનિકોએ બેનરોમાં સ્પષ્ટ લખ્યું છે કે, "કોંગ્રેસના ઉમેદવારોએ વોટ માંગવા આવવું નહીં."
