ભરૂચ જિલ્લાના ઝઘડિયા પંથકમાં ચૂંટણી ફંડના નામે ઉદ્યોગપતિઓ અને કોન્ટ્રાક્ટરોને ધમકાવતો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. આ વીડિયોમાં મિતેષ પઢિયાર નામનો શખ્સ ખુલ્લેઆમ ધમકી આપતા કહેતો હતો કે, જો ભાજપના ઉમેદવારને ફંડ આપશો, તો કોંગ્રેસના ઉમેદવારને પણ ફંડ આપવું જ પડશે. આ વીડિયો વાયરલ થતા જ વિસ્તારના સિલિકા પ્લાન્ટ માલિકો અને GIDCના ઉદ્યોગપતિઓમાં ફફડાટ ફેલાયો હતો.
પોતે સામાજિક કાર્યકર હોવાનો દાવો, કોંગ્રેસમાંથી નોંધાવી હતી દાવેદારી
ધમકી આપનારા મિતેષ પઢિયાર અત્યાર સુધી પોતાની ઓળખ એક સામાજિક કાર્યકર તરીકે આપતો હતો. જોકે, રાજકીય મહત્વકાંક્ષા ધરાવતા આ શખ્સે તાજેતરમાં જ સુલતાનપુરા જિલ્લા પંચાયત બેઠક પરથી કોંગ્રેસ પક્ષમાંથી ચૂંટણી લડવા માટે દાવેદારી પણ નોંધાવી હતી. ચૂંટણી પહેલા જ સત્તાના નશામાં ચૂર થઈ તેણે ઉદ્યોગકારો પાસે ઉઘરાણું શરૂ કરતા મામલો ગરમાયો હતો.













