ભરૂચના વોર્ડ નંબર 8 માં શનિવારે સાંજે ભારતીય જનતા પાર્ટીની પ્રચાર રેલી દરમિયાન ભારે અફરાતફરી મચી ગઈ હતી. આગામી ચૂંટણીને ધ્યાને રાખી, જ્યારે ભાજપના ઉમેદવારો પ્રચાર માટે નીકળ્યા ત્યારે સ્થાનિક લોકોએ તેમનો ઉગ્ર વિરોધ કર્યો હતો. સ્થાનિકોનો આક્ષેપ છે કે, છેલ્લા 5 વર્ષ દરમિયાન કોઈ પણ નેતા વિસ્તારની સમસ્યાઓ જોવા આવ્યો નથી, જેના કારણે રોષે ભરાયેલા લોકોએ ઉમેદવારોને વિસ્તારમાં ન આવવા માટે સુત્રોચ્ચાર કર્યા હતા.
ધનજી ગોહિલને રિપીટ કરતા રોષ: મહિલાઓ સાથે ગેરવર્તણૂકના આક્ષેપ
ભાજપ દ્વારા આ બેઠક પર ધનજી ગોહિલને પુનઃ ટિકિટ આપી રિપીટ કરવામાં આવતા સ્થાનિકોમાં લાંબા સમયથી નારાજગી હતી. પ્રચાર દરમિયાન આ નારાજગી ઘર્ષણમાં ફેરવાઈ હતી. એક સ્થાનિક મહિલાએ ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું કે, પ્રચારમાં આવેલા ભાજપના કાર્યકરોએ તેમની માતાને ધક્કો માર્યો હતો અને એક પુરૂષ કાર્યકરે મહિલાનો કોલર પકડી ગેરવર્તણૂક કરી હતી. આ ઘટનાના દ્રશ્યો સોશિયલ મીડિયા પર પણ વાયરલ થયા છે.
અમદાવાદથી ગુંડાઓ લાવી હુમલો કરાયો હોવાનો ઉમેદવારનો પલટવાર
બીજી તરફ, ભાજપના ઉમેદવાર ધનજી ગોહિલે આ સમગ્ર ઘટનાને રાજકીય ષડયંત્ર ગણાવ્યું છે. તેમણે વળતો આક્ષેપ કર્યો છે કે, વિરોધ કરનારા લોકો સ્થાનિક નથી, પરંતુ વિરોધ પક્ષ દ્વારા અમદાવાદથી ગુનેગારો અને તડીપાર શખ્સોને લાવીને તેમના પર હુમલો કરાવવામાં આવ્યો છે. તેમણે વધુમાં જણાવ્યું કે, મહિલાઓ પાસે વિરોધ કરાવીને પ્રચારમાં વિક્ષેપ પાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
પોલીસ તપાસની માગ અને તંગદિલી
ઘટનાને પગલે વિસ્તારમાં તંગદિલી ફેલાઈ ગઈ હતી. ઉમેદવાર ધનજી ગોહિલે આ મામલે નિષ્પક્ષ પોલીસ તપાસની માગ કરી છે, જ્યારે બીજી તરફ સ્થાનિકો કાર્યકરોની 'લુખ્ખાગીરી' અને મહિલાઓ પર થયેલા હુમલા સામે રોષ વ્યક્ત કરી રહ્યા છે. ચૂંટણી પહેલા ભરૂચનું રાજકીય તાપમાન ચરમસીમાએ પહોંચ્યું છે અને પોલીસ હાલ બંને પક્ષોના આક્ષેપોની તપાસ કરી રહી છે.
આ પણ વાંચો - Local Body Elections 2026: નણંદ-ભોજાઈ વચ્ચે જામ્યો રાજકીય જંગ, રિવાબાએ પાઠવી શુભેચ્છા, તો નયનાબાએ કહ્યું- આ ઓવર કોન્ફિડન્સ