સુરતના અડાજણ વિસ્તારમાં પાટીદાર યુવતીની છેડતીની ઘટનાના ઉગ્ર પડઘા હવે મહેસાણા જિલ્લામાં જોવા મળી રહ્યા છે. મહેસાણાના બાજીપુરા ગામના ગ્રામજનોએ સુરતની ઘટના અને ત્યારબાદ પોલીસ દ્વારા કરવામાં આવેલા લાઠીચાર્જના વિરોધમાં આગામી ચૂંટણીનો સામૂહિક બહિષ્કાર કરવાની જાહેરાત કરી છે.
શું છે સમગ્ર મામલો?
થોડા દિવસો પહેલા સુરતના અડાજણ વિસ્તારમાં એક પાટીદાર યુવતીની છેડતીની ઘટના બની હતી. આ ઘટનાને પગલે પાટીદાર સમાજમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો. જ્યારે સમાજના લોકો ન્યાયની માગ સાથે એકત્ર થયા, ત્યારે પોલીસ દ્વારા કરવામાં આવેલા લાઠીચાર્જને કારણે સ્થિતિ વધુ વણસી હતી. નિર્દોષ લોકો અને મહિલાઓ પર થયેલા આ પ્રહારથી સમગ્ર ગુજરાતના પાટીદાર સમાજમાં નારાજગી વ્યાપી છે.
બાજીપુરા ગામનો આક્રોશ
મહેસાણાનું બાજીપુરા ગામ આ અન્યાય સામે મેદાને આવ્યું છે. સ્થાનિક પાટીદાર આગેવાન રાજુભાઈ પટેલે જણાવ્યું હતું કે, એક તરફ સરકાર મહિલા સુરક્ષાની વાતો કરે છે, અને બીજી તરફ અમારી બહેન-દીકરીઓની સુરક્ષા માંગવા ગયેલા લોકો પર લાઠીચાર્જ કરવામાં આવે છે. આ કેવો ન્યાય? જ્યાં સુધી જવાબદાર પોલીસ અધિકારીને સસ્પેન્ડ કરવામાં નહીં આવે, ત્યાં સુધી બાજીપુરા ગામ ચૂંટણીમાં મતદાન નહીં કરે.
ગ્રામજનોની મુખ્ય માંગણીઓ
- સુરતમાં છેડતીની ઘટનામાં કડક કાર્યવાહી કરવામાં આવે.
- શાંતિપૂર્ણ પ્રદર્શન કરી રહેલા લોકો પર લાઠીચાર્જ કરનાર પોલીસ અધિકારીને તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવે.
- દીકરીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં આવે.
બાજીપુરા ગામના આ નિર્ણયને આસપાસના અન્ય વિસ્તારોના પાટીદાર સમાજનું પણ સમર્થન મળી રહ્યું છે. ચૂંટણી ટાણે જ ગ્રામજનોના આ આકરા વલણે રાજકીય ગરમાવો લાવી દીધો છે.
આ પણ વાંચો - Local body elections 2026: અમદાવાદનું તાપમાન 43 ડિગ્રી વટાવી ગયું, ભીષણ ગરમીમાં મતદાન પર અસર વર્તાઈ