મહીસાગર જિલ્લાના લુણાવાડામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા જ કોંગ્રેસના ગઢમાં મોટું ગાબડું પડ્યું છે. લુણાવાડા તાલુકાની ભલાડા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર ચંદ્રિકાબેનનું જાતિનું પ્રમાણપત્ર ખોટું નીકળતા તેમનું ફોર્મ રદ્દ કરવામાં આવ્યું છે. આ ઘટના બાદ કોંગ્રેસે ડમી ઉમેદવારથી સંતોષ માનવો પડ્યો છે, પરંતુ અસલી ઝટકો ત્યારે લાગ્યો, જ્યારે ખુદ ઉમેદવારના પિતા જ કોંગ્રેસનો સાથ છોડી ભાજપમાં જોડાઈ ગયા હતા.


જશુભાઈ પરમારે છોડ્યો પંજો

ચંદ્રિકાબેનનું ફોર્મ રદ્દ થતા જ તેમના પિતા જશુભાઈ પરમાર કોંગ્રેસની કાર્યપદ્ધતિથી નારાજ થઈ ભાજપમાં જોડાયા છે. વરધરી મુકામે યોજાયેલા એક કાર્યક્રમમાં પ્રદેશ ઉપાધ્યક્ષ ગૌતમ ગેડીયા અને જિલ્લા ભાજપ પ્રમુખ દશરથસિંહ બારીયાની હાજરીમાં જશુભાઈએ કેસરિયો ધારણ કર્યો હતો. મતદાનના ગણતરીના દિવસો બાકી છે, ત્યારે ઉમેદવારના પિતાનું જ પક્ષપલટો કરવું એ લુણાવાડા કોંગ્રેસ માટે મરણતોલ ફટકો સમાન માનવામાં આવે છે.

ચૂંટણી પહેલા રાજકીય ગરમાવો તેજ

લુણાવાડાના ભલાડા વિસ્તારમાં આ પક્ષપલટાથી રાજકીય સમીકરણો બદલાઈ ગયા છે. ભાજપ આ ઘટનાને પોતાની નૈતિક જીત ગણાવી રહ્યું છે, જ્યારે કોંગ્રેસના પાયાના કાર્યકરોમાં ભારે નિરાશા જોવા મળી રહી છે. ડમી ઉમેદવાર મેદાનમાં હોવા છતાં, મુખ્ય ઉમેદવારના પિતા જ ભાજપમાં ભળી જવાથી કોંગ્રેસની જીતની આશા ધૂંધળી બની ગઈ છે.


આ પણ વાંચો - local body Elections 2026: ઉમરેઠમાં કોંગ્રેસનો ગરમાયો ચૂંટણી પ્રચાર, ઢોલ-નગારાના નાદ સાથે ભવ્ય રોડ શો યોજાયો


  • Follow us on: