પંચમહાલ જિલ્લાનું મુખ્ય મથક ગોધરા ફરી એકવાર ચર્ચામાં છે, પરંતુ આ વખતે કારણ નકારાત્મક નહીં પણ સકારાત્મક અને પ્રેરણાદાયી છે. ગોધરા નગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર 7 માંથી અપક્ષ ઉમેદવાર અપેક્ષા સોનીએ ભવ્ય વિજય મેળવીને નવો ઇતિહાસ રચ્યો છે. આ જીત એટલા માટે ખાસ છે કારણ કે આ વોર્ડ સંપૂર્ણપણે મુસ્લિમ મતદારો ધરાવતો વિસ્તાર છે.

એકમાત્ર હિન્દુ ઉમેદવાર અને મુસ્લિમ મતદારોનો ભરોસો

વોર્ડ નંબર 7 માં કુલ 4 બેઠકો માટે ચૂંટણી યોજાઈ હતી. રસપ્રદ વાત એ છે કે આ વિસ્તારમાં મતદારોની સંખ્યાના આધારે લઘુમતી સમાજનું વર્ચસ્વ છે. ચૂંટણી મેદાનમાં રહેલા તમામ ઉમેદવારો પૈકી અપેક્ષા સોની એકમાત્ર હિન્દુ મહિલા ઉમેદવાર હતા. અન્ય તમામ હરીફ ઉમેદવારો મુસ્લિમ સમાજમાંથી હતા. આમ છતાં, મુસ્લિમ મતદારોએ અપેક્ષા સોનીના કામ અને તેમના વ્યક્તિત્વ પર ભરોસો મૂકીને તેમને જંગી મતોથી વિજયી બનાવ્યા છે.

અપેક્ષા સોનીએ વ્યક્ત કર્યો આભાર

ઐતિહાસિક જીત બાદ અપેક્ષા સોની ભાવુક જણાયા હતા.તેમણે પોતાની જીતને 'લોકશાહી અને મોહબ્બતની જીત' ગણાવી હતી. તેમણે ખાસ કરીને મુસ્લિમ મતદારોનો આભાર માનતા જણાવ્યું કે, "આ વિસ્તારના લોકોએ મને ઉમેદવાર તરીકે નહીં પણ પોતાની દીકરી અને બહેન તરીકે સ્વીકારી છે. મતદારોએ પુરવાર કર્યું છે કે તેમને માત્ર વિકાસ અને સેવા સાથે લેવાદેવા છે, ધર્મ સાથે નહીં.

કોમી એકતાનો નવો અધ્યાય

ગોધરાની છબી ઘણીવાર સંવેદનશીલ શહેર તરીકે જોવામાં આવે છે, પરંતુ આ પરિણામોએ સાબિત કર્યું છે કે ગ્રાઉન્ડ લેવલ પર સ્થિતિ બદલાઈ રહી છે. મુસ્લિમ બહુલ વિસ્તારમાં હિન્દુ મહિલાની જીત એ ગોધરાના રાજકારણમાં અને સામાજિક માળખામાં આવતા મોટા પરિવર્તનના સંકેત છે. સ્થાનિકોનું કહેવું છે કે અપેક્ષા સોનીએ ભૂતકાળમાં પણ આ વિસ્તારના લોકોના પ્રશ્નો માટે લડત આપી હતી, જેનું ફળ તેમને આજે મત સ્વરૂપે મળ્યું છે.

આ પણ વાંચો - Gujarat local body election result 2026: ભરૂચમાં ભાજપનું વર્ચસ્વ, જિલ્લા પંચાયત અને 7 તાલુકા પંચાયત કબજે, વાલિયામાં 'આપ'ની એન્ટ્રી અને નેત્રંગમાં ટક્કર!