- પેશ્વાકાળથી આરાધનાનો દોર ચાલી રહ્યો છે
- ડુમસ રોડ પર રૂઢનાથ મહાદેવ મંદિરમાં ધરાવે છે આસ્થા
- શિવલિંગનો આકાર એકમુખી રુદ્રાક્ષ જેવો છે
ડાયમંડ સિટી અને ટેક્સટાઇલ હબ તરીકે ઓળખાતા સુરત શહેરમાં આવેલા શિવમંદિરોમાં હાલ શ્રાવણ માસમાં ભક્તોની ભીડ ઊમટી રહી છે. દરમિયાન ડુમસ રોડ પર આવેલું રૂઢનાથ મહાદેવ મંદિર શિવભક્તોમાં આસ્થાનું કેન્દ્ર બન્યું છે. પેશ્વાકાળથી અહીં આરાધનાનો દોર ચાલી રહ્યો છે. જેમાં રુદ્રાક્ષ જેવા શિવલિંગે પહેલા રુદ્રનાથ નામ આપ્યું હતું અને સમય જતાં રૂઢનાથ મહાદેવ તરીકે ઓળખ મળી હતી. વર્ષોની પૂજા-અર્ચના સાથે મંદિરનો ત્રણ વાર જીર્ણોદ્ધાર થઇ ચૂક્યો છે. જ્યારે હવે ચોથી વાર રંગરોગાન ચાલી રહ્યું છે.
રૂઢનાથ મહાદેવ મંદિરના મહાત્મ્ય પર એક નજર કરીએ તો, અંદાજે ૭૦૦ વર્ષ પહેલા અહીં મગદલ્લા ગામમાં તાપી કિનારે સ્વયંભૂ શિવલિંગ પ્રગટયું હતું. શિવલિંગનો આકાર એકમુખી રુદ્રાક્ષ જેવો હોય તે રૂદ્રનાથ તરીકે ઓળખાયો હતો. બાદમાં સમયના પ્રવાહ સાથે રૃંઢનાથ મહાદેવ તરીકેની ઓળખ મળી હતી. ઉપરાંત, વાસ્તુશાસ્ત્રના નિયમો મુજબ સ્વયંભૂ શિવલિંગ છે. વાસ્તુશાસ્ત્ર મુજબ જે પ્લોટ ઉત્તર તરફ લાંબો હોય અને દક્ષિણ તરફ મકાન સહિતના વજન હોય તે ઉત્તમ ગણાય. વળી ઉત્તર તરફથી આવતું પાણી દક્ષિણ તરફ વહે તે અતિઉત્તમ માનવામાં આવે છે. સુરતની પ્રગતિ પણ તાપીના આ દક્ષિણી વહેણને જ આભારી છે. પૂજારી દિનેશ ભારતી ગોસ્વામીએ જણાવ્યું હતું કે, મંદિરનું બાંધકામ અસલ પેશ્વા ગવર્નમેન્ટ હસ્તક બંધાયું હોવાનો અંદાજ છે. અહીં 250થી 300 વર્ષ જૂની વણઝારી વાવ આવેલી છે. જેમાં આજે પણ ઠંડું મીઠું પાણી છે. રૂઢનાથ મહાદેવ ઉપરથી જ મગદલ્લા ગામના એક ભાગનું નામ રૂઢગામ પડયું હોવાની પણ માનતા છે.













