ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર-ગાવસ્કર સિરીઝની આતુરતાથી દરેક લોકો રાહ જોઈ રહ્યા છે. રોહિત શર્માની કેપ્ટન્સીમાં ટીમ ઈન્ડિયા કાંગારૂની ધરતી પર સતત જીતની હેટ્રિક ફટકારવા માટે તૈયાર છે. ઓસ્ટ્રેલિયા સામે રોહિત શર્મા, વિરાટ કોહલી અને જસપ્રિત બુમરાહ જેવા ખેલાડીઓનું પ્રદર્શન ચોક્કસપણે ફોકસમાં રહેશે, પરંતુ યશસ્વી જયસ્વાલ પણ કાંગારૂઓને હંફાવી શકે છે. પૂર્વ ભારતીય બોલર અનિલ કુંબલેનું માનવું છે કે યશસ્વીમાં હાજર રનની ભૂખ તેને ઓસ્ટ્રેલિયાની ધરતી પર સફળ બનાવશે.


આ ખેલાડી ઓસ્ટ્રેલિયામાં સફળતા અપાવશે

અનિલ કુંબલેએ એક ઈન્ટરવ્યૂમાં કહ્યું, “યશસ્વીની રનની ભૂખ અને તેની ટેકનિક સૌથી મહત્વપૂર્ણ હશે. મને એવું કોઈ કારણ દેખાતું નથી કે શા માટે તે ઓસ્ટ્રેલિયામાં સફળ ન થાય. WTC સિઝનમાં યશસ્વીનું પ્રદર્શન અદ્ભુત રહ્યું છે. અમે તેને બાંગ્લાદેશ સામે અલગ અભિગમ સાથે રમતા જોયો હતો. પ્રથમ ટેસ્ટમાં જ્યારે ઝડપી બોલરોની મદદ મળી રહી હતી ત્યારે તેણે સાવધાની રાખી હતી. આ પછી યશસ્વી બીજી ટેસ્ટમાં ફરી પોતાની કુદરતી રમત રમતા જોવા મળ્યો હતો. પરિસ્થિતિ અનુસાર તેની રમતમાં ફેરફાર કરવાની આ ક્ષમતા યશસ્વી માટે ટેસ્ટ ક્રિકેટમાં ખાસ કરીને ઓસ્ટ્રેલિયા જેવા પડકારજનક પ્રવાસમાં ખૂબ જ ઉપયોગી થશે.

'રમત બદલવાની જરૂર નથી'

અનિલ કુંબલેએ વધુમાં કહ્યું, “મને નથી લાગતું કે યશસ્વી ઓસ્ટ્રેલિયામાં પોતાનો અભિગમ બદલશે. યશસ્વી ભલે પહેલીવાર ભારતીય ટીમ સાથે ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર જઈ રહ્યો હોય, પરંતુ તેને મોટો ફાયદો થશે. તેનું કારણ એ છે કે ભારતીય ટીમે છેલ્લા બે પ્રવાસમાં ઓસ્ટ્રેલિયા સામે શાનદાર જીત નોંધાવી છે, જેના કારણે યુવા બેટ્સમેનનો આત્મવિશ્વાસ ઘણો ઊંચો હશે. ઓસ્ટ્રેલિયામાં આવનારી ટીમો પોતાના પાછલા પ્રવાસમાં ખરાબ રેકોર્ડના કારણે દબાણમાં છે, પરંતુ ટીમ ઈન્ડિયા સાથે આવું નહીં થાય. ભારતે ઓસ્ટ્રેલિયામાં છેલ્લી બે સિરીઝ જીતી છે.

ટેસ્ટમાં યશસ્વીનો મજબૂત રેકોર્ડ

ટેસ્ટ ક્રિકેટમાં યશસ્વી જયસ્વાલનો રેકોર્ડ શાનદાર રહ્યો છે. યશસ્વીએ આ વર્ષે રમાયેલી 8 મેચની 15 ઇનિંગ્સમાં 66.35ની એવરેજથી 929 રન બનાવ્યા છે. યશસ્વીએ 2024માં બે સદી અને 6 ફિફ્ટી ફટકારી છે. આ સાથે તેણે પોતાના બેટથી બેવડી સદી પણ ફટકારી છે.


  • Follow us on: