• FIFA વર્લ્ડ કપ જીત્યા બાદ ચેમ્પિયન ટીમ સ્વદેશ પરત ફરી
  • આર્જેન્ટિનાના ખેલાડીઓએ બસમાં બેસી રોડ શોમાં ભાગ લીધો
  • મેસ્સી ટ્રોફી હાથમાં લઈ બહાર આવ્યો, લોકોનું અભિવાદન કર્યું

લિયોનેલ મેસ્સી પોતાના દેશ આર્જેન્ટીના પહોંચી ગયો છે. FIFA વર્લ્ડ કપ 2022 જીત્યા બાદ વર્લ્ડ ચેમ્પિયન ટીમ સ્વદેશ પરત ફરી છે, જ્યાં હજારો ચાહકો તેમનું સ્વાગત કરવા માટે રસ્તાઓ પર એકઠા થયા છે.

આર્જેન્ટિનાની ટીમ સ્વદેશ પરત ફરી

FIFA વર્લ્ડ કપ 2022 જીત્યા બાદ આર્જેન્ટિનાની ટીમ પોતાના દેશ પરત ફરી છે. જ્યાં એરપોર્ટ પર હજારોની ભીડે પોતાની વર્લ્ડ ચેમ્પિયન ટીમનું સ્વાગત કર્યું હતું. સુકાની લિયોનેલ મેસ્સીના નેતૃત્વમાં ટીમે ફાઇનલમાં ફ્રાન્સને 4-2 (પેનાલ્ટી શૂટઆઉટ)થી હરાવીને ઇતિહાસ રચ્યો હતો. આર્જેન્ટિનાએ 1986 પછી પ્રથમ વખત FIFA વર્લ્ડ કપ જીત્યો છે, જ્યારે આ તેનો ત્રીજો વર્લ્ડ કપ છે. ખાસ વાત એ છે કે લિયોનેલ મેસ્સીનો આ છેલ્લો વર્લ્ડ કપ હતો.

બ્યુનોસ આયર્સ એરપોર્ટ પર પહોંચ્યા હજારો ચાહકો 

મંગળવારે સવારે (ભારતીય સમય મુજબ) આર્જેન્ટિનાના ખેલાડીઓ રાજધાની બ્યુનોસ આયર્સના ઈન્ટરનેશનલ એરપોર્ટ પર પહોંચ્યા હતા. જ્યાં હજારો લોકો પોતાના વર્લ્ડ ચેમ્પિયનને આવકારવા તૈયાર હતા. કેપ્ટન લિયોનેલ મેસ્સી ટ્રોફી હાથમાં લઈને ફ્લાઈટમાંથી બહાર નીકળ્યો અને લોકોનું અભિવાદન કર્યું. આર્જેન્ટિનાના ખેલાડીઓએ અહીં બસમાં બેસીને રોડ શોમાં ભાગ લીધો હતો, હજારો ચાહકોએ બસને ઘેરી લીધી હતી અને ખેલાડીઓ ટ્રોફી બતાવીને ઉજવણી કરી રહ્યા હતા.

ફાઈનલ બાદ દેશભરમાં જશ્નનો માહોલ

આર્જેન્ટિનાની રાજધાની બ્યુનોસ એરેસના ઓબેલિસ્કમાં લાખો ચાહકો સતત ઉજવણી કરી રહ્યા છે. ફાઇનલમાં આર્જેન્ટિનાએ ફ્રાન્સને હરાવ્યા બાદ આ ઉજવણી અવિરતપણે ચાલુ છે. આર્જેન્ટિનાના ફૂટબોલ એસોસિએશને પુષ્ટિ આપી હતી કે વિશ્વ ચેમ્પિયન ખેલાડીઓ પણ અહીં આવશે અને ચાહકો સાથે ઉજવણીમાં સામેલ થશે.


પેનલ્ટી શૂટઆઉટમાં આર્જેન્ટિનાની જીત

18 ડિસેમ્બરના રોજ આર્જેન્ટિના અને ફ્રાન્સ વચ્ચે ફાઇનલ મેચ કતારના લુસેલ સ્ટેડિયમમાં રમાઈ હતી. અહીં પ્રથમ હાફમાં આર્જેન્ટિનાએ 2-0ની સરસાઈ મેળવી હતી, પરંતુ બીજા હાફમાં ફ્રાન્સે વાપસી કરી હતી અને એમ્બાપેએ 2 ગોલ કર્યા હતા. આર્જેન્ટિના અને ફ્રાન્સ વચ્ચેની મેચ પૂર્ણ સમયે 2-2થી ડ્રોમાં સમાપ્ત થઈ હતી. જ્યારે મેચ એક્સ્ટ્રા ટાઈમમાં ગઈ તો સ્કોર 3-3 થઈ ગયો. બાદમાં પેનલ્ટી શૂટઆઉટમાં આર્જેન્ટિનાએ 4-2થી જીત મેળવી હતી.

  • Follow us on: