- WC ફાઈનલમાં ફ્રાન્સને હરાવી આર્જેન્ટિનાની બન્યું વર્લ્ડ ચેમ્પિયન
- રાજધાની બ્યુનોસ એરેસ-મેસ્સીના વતન રોઝારિયોમાં ભવ્ય ઉજવણી
- રસ્તાઓ પર ચાહકોની ભીડ જામી, મેસ્સીના નામના સૂત્રોચ્ચાર
મેસ્સીના હવે FIFA વર્લ્ડ કપ અને કોપા અમેરિકામાં 26 ગોલ છે, જે દક્ષિણ અમેરિકાના અન્ય કોઈપણ ખેલાડી કરતા વધુ છે. તે તેના ટીનેજ વર્ષો પછી વીસ અને ત્રીસના દાયકામાં વર્લ્ડ કપમાં ગોલ કરનાર વિશ્વનો પ્રથમ ફૂટબોલર બન્યો છે.

ફ્રાન્સને હરાવી આર્જેન્ટિનાની બન્યું ચેમ્પિયન
મેસ્સીની ટીમે ફ્રાન્સ સામે વર્લ્ડ કપની ફાઇનલમાં જીત મેળવી હોવાથી આખો દેશ ઉજવણીમાં ડૂબી ગયો હતો. લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને ભારે આનંદની ઉજવણી કરી હતી. આર્જેન્ટિનાના ઘણા શહેરોમાં જાહેર સ્થળોએ મોટી સ્ક્રીન લગાવવામાં આવી હતી જ્યાં લોકોએ ફાઈનલ મેચ જોઈ હતી.
મેચ દરમિયાન ફેન્સ થયા ભાવુક
જેમ-જેમ મેચ આગળ વધી રહી હતી તેમ-તેમ લાગણીઓ પણ વધી રહી હતી. લોકો રડી રહ્યા હતા, તેમની આંખોમાં આંસુ હતા અને તેઓ એકબીજાને ભેટી રહ્યા હતા. બ્યુનોસ આયર્સના સાર્વજનિક સ્થળો પર મેચ જોઈ રહેલા લોકો આખી મેચ દરમિયાન કેપ્ટન લિયોનેલ મેસ્સીના નામના નારા લગાવી રહ્યા હતા.
મેસ્સીના વતન રોઝારિયોમાં ભવ્ય ઉજવણી
છેલ્લા કેટલાક સમયથી સતત આર્થિક સંકટનો સામનો કરી રહેલા આર્જેન્ટિનાના ચાહકો માટે વર્લ્ડ કપની આ જીત જીવનરેખાનું કામ કરી રહી છે. દેશમાં એવો કોઈ રસ્તો નહોતો કે જેના પર લોકો આનંદથી નાચતા ન હોય. આર્જેન્ટિનાના લોકોએ આ અવસર પર મહાન ડિએગો મેરાડોનાને પણ યાદ કર્યા અને કહ્યું કે તેણે પણ આ જીતમાં ફાળો આપ્યો હતો. મેસ્સીના વતન રોઝારિયોમાં, લોકો ઉજવણી કરવા માટે રસ્તાઓ પર ઉતરી આવ્યા હતા. તેઓ તેમના હીરોની પ્રશંસા કરતા સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા.

મેસ્સી આર્જેન્ટિના માટે રમવાનું ચાલુ રાખશે?
આ પહેલા લિયોનેલ મેસ્સીએ કતારમાં સંકેત આપ્યો હતો કે આ તેનો છેલ્લો વર્લ્ડ કપ છે. જો કે હવે તેના નવા નિવેદનથી મામલો બદલાઈ ગયો છે. મેસ્સીનો અત્યારે આંતરરાષ્ટ્રીય ફૂટબોલને અલવિદા કહેવાનો કોઈ ઈરાદો નથી. સ્ટાર સ્ટ્રાઈકરે કહ્યું કે વર્લ્ડ કપ જીતવાનું સપનું પૂરું કર્યા પછી પણ તે આર્જેન્ટિના માટે રમવાનું ચાલુ રાખશે. લુસેલ સ્ટેડિયમમાં પેનલ્ટી શૂટઆઉટમાં ફ્રાન્સને 4-2થી હરાવીને મેસ્સીનું વર્લ્ડ ચેમ્પિયન બનવાનું સપનું સાકાર થયું હતું. મેસ્સી માત્ર 35 વર્ષનો છે અને માનવામાં આવી રહ્યું હતું કે આ તેનો છેલ્લો વર્લ્ડ કપ હશે, પરંતુ સ્ટાર સ્ટ્રાઈકરે મેચ બાદ કહ્યું કે તે હજી વધુ રમવાનો ઈરાદો ધરાવે છે.