- સ્ટાર ખેલાડી કરીમ બેન્ઝેમાએ આંતરરાષ્ટ્રીય ફૂટબોલને અલવિદા કહ્યું
- 19 ડિસેમ્બરે બેન્ઝેમાએ પોતાના જન્મદિવસ પર જ સંન્યાસની જાહેરાત કરી
- રિયલ મેડ્રિડ તરફથી ક્લબ ફૂટબોલમાં રમવાનું ચાલુ રાખશે
FIFA વર્લ્ડ કપની ફાઇનલમાં ફ્રાન્સને આર્જેન્ટિના સામે હારનો સામનો કરવો પડ્યો હતો. આ હારને કારણે ફ્રાન્સની ટીમ સતત બીજી વખત ટાઈટલ જીતવાથી ચૂકી ગઈ હતી. હાર બાદ ટીમના સ્ટાર ખેલાડી કરીમ બેન્ઝેમાએ આંતરરાષ્ટ્રીય ફૂટબોલને અલવિદા કહી દીધું છે.

વર્લ્ડ કપ ફાઇનલમાં ફ્રાન્સની હાર
FIFA વર્લ્ડ કપની ફાઇનલમાં ફ્રાન્સનો આર્જેન્ટિના સામે પેનલ્ટી શૂટ-આઉટમાં 2-4થી પરાજય થયો હતો. આ હારને કારણે સતત ત્રીજી વખત ટાઈટલ જીતવાનું સપનું તૂટી ગયું. સ્ટાર ફૂટબોલર કિલિયન એમ્બાપેએ હેટ્રિક ફટકારીને ફ્રાન્સને જીત અપાવવાનો શ્રેષ્ઠ પ્રયાસ કર્યો હતો. ફાઇનલમાં હાર બાદ હવે નિવૃત્તિનો તબક્કો પણ શરૂ થયો છે.
કરીમ બેન્ઝેમાએ લીધો સંન્યાસ
ફ્રેન્ચ સ્ટાર ખેલાડી કરીમ બેન્ઝેમાએ તેના જન્મદિવસ (19 ડિસેમ્બર) પર આંતરરાષ્ટ્રીય ફૂટબોલને અલવિદા કહી દીધું છે. કરીમ બેન્ઝેમા FIFA વર્લ્ડ કપ શરૂ થવાના એક દિવસ પહેલા ઈજાગ્રસ્ત થયો હતો, ત્યારબાદ તેને ઘરે મોકલી દેવામાં આવ્યો હતો. પરંતુ એવી ચર્ચા હતી કે રિયલ મેડ્રિડની ફ્રેન્ડલી મેચમાં ભાગ લીધા બાદ તે ફાઈનલ માટે જઈ શકે છે. પરંતુ ટીમ મેનેજર ડીડીયર ડેશચમ્પ્સ સાથેના વિવાદને કારણે તેણે કતાર જવાની ઓફર ઠુકરાવી દીધી હતી.

ઈન્સ્ટાગ્રામ પર કરી પોસ્ટ
35 વર્ષીય કરીમ બેન્ઝેમાએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર લખ્યું, 'હું આજે જ્યાં છું ત્યાં પહોંચવા માટે મેં પ્રયત્નો અને ભૂલો કરી. મને તેનો ગર્વ છે. મેં મારી વાર્તા લખી. મારી સફરનો અંત આવી રહ્યો છે. બેન્ઝેમાએ ફ્રાન્સ માટે 97 મેચમાં 37 ગોલ કર્યા હતા.
2007માં ડેબ્યૂ, 2022માં બેલોન ડી'ઓર
કરીમ બેન્ઝેમાએ વર્ષ 2007માં ઓસ્ટ્રિયા સામે ડેબ્યૂ કર્યું હતું. ડેબ્યુ મેચમાં ગોલ કરવામાં પણ તે સફળ રહ્યો હતો. વર્ષ 2008માં તે યુરો કપમાં ફ્રેન્ચ ટીમનો ભાગ હતો. ત્યારબાદ તેણે 2010 વર્લ્ડ કપના ક્વોલિફાઈંગ રાઉન્ડમાં ઘણી મેચો રમી પરંતુ તે વર્લ્ડ કપની ટીમમાં સ્થાન મેળવી શક્યો નહીં. બેન્ઝેમા પણ ઘણા વિવાદોમાં રહ્યો છે. સેક્સ ટેપ સ્કેન્ડલમાં નામ આવવાને કારણે તેને લગભગ પાંચ વર્ષ સુધી બહાર રહેવું પડ્યું હતું. બેન્ઝેમા વર્લ્ડ કપમાં માત્ર એક જ વાર વર્ષ 2014માં ભાગ લઈ શક્યો હતો.

ક્લબ ફૂટબોલમાં રમવાનું ચાલુ રાખશે
કરીમ બેન્ઝેમાએ આ વર્ષે પ્રતિષ્ઠિત ફૂટબોલ એવોર્ડ બેલોન ડી'ઓર પણ જીત્યો હતો. છેલ્લી સિઝનમાં કરીમ બેન્ઝેમાએ લા લીગા અને ચેમ્પિયન્સ લીગમાં તેની ટીમ રિયલ મેડ્રિડને જીતાડ્યું હતું, જેના કારણે તેને આ એવોર્ડ મળ્યો હતો. બેન્ઝેમાએ માત્ર આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાંથી નિવૃત્તિ લીધી છે અને તે રિયલ મેડ્રિડ તરફથી ક્લબ ફૂટબોલમાં રમવાનું ચાલુ રાખશે.