- ICCએ ડિસેમ્બર માટે 'પ્લેયર ઓફ ધ મંથ'ની જાહેરાત કરી
- ઓસ્ટ્રેલિયન કેપ્ટન પેટ કમિન્સને 'મેન્સ પ્લેયર ઓફ ધ મંથ'
- ભારતીય ઓલરાઉન્ડર દીપ્તિ શર્માને 'વિમેન્સ પ્લેયર ઓફ ધ મંથ'
ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ ડિસેમ્બર મહિના માટે 'પ્લેયર ઓફ ધ મંથ' ના નામોની જાહેરાત કરી છે. ઓસ્ટ્રેલિયન કેપ્ટન પેટ કમિન્સને 'મેન્સ પ્લેયર ઓફ ધ મંથ' તરીકે પસંદ કરવામાં આવ્યો હતો. જ્યારે, ભારતની દીપ્તિ શર્માને 'મહિલા પ્લેયર ઓફ ધ મંથ' તરીકે પસંદ કરવામાં આવી હતી. દીપ્તિ શર્માનું 'પ્લેયર ઓફ ધ મંથ'નું આ પહેલું ટાઈટલ છે. બંને ખેલાડીઓને ડિસેમ્બરમાં કરેલા શાનદાર પ્રદર્શનનું ફળ મળ્યું છે.
પેટ કમિન્સનનું ડિસેમ્બરમાં શાનદાર પ્રદર્શન
ICCએ કહ્યું કે કમિન્સને પાકિસ્તાન સામે તેની શાનદાર બોલિંગના કારણે આ ખિતાબ આપવામાં આવ્યો હતો. જ્યારે, દીપ્ત શર્માને ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા સામે તેના શ્રેષ્ઠ ઓલરાઉન્ડ પ્રદર્શન માટે આ ખિતાબ આપવામાં આવ્યો હતો. કમિન્સની કેપ્ટન્સીમાં ઓસ્ટ્રેલિયાએ પાકિસ્તાનને 3-0થી હરાવ્યું હતું.
બોલ સાથે કમાલ કરતી વખતે, કમિન્સ સિરીઝમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર હતો. તેણે 3 મેચમાં 12.00ની શાનદાર એવરેજથી 19 વિકેટ લીધી હતી. આ સમયગાળા દરમિયાન ઓસ્ટ્રેલિયન કેપ્ટને સૌથી વધુ 3 વખત પાંચ વિકેટ પોતાના નામે કરી હતી. આના એક મહિના પહેલા એટલે કે નવેમ્બરમાં, કમિન્સે તેની કેપ્ટનશિપ હેઠળ ઓસ્ટ્રેલિયાને વર્લ્ડકપ 2023નો ખિતાબ જીતાડ્યો હતો.
દીપ્તિએ ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ સામે કમાલ કરી
દીપ્તિ શર્માએ ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયામાં ત્રણેય ફોર્મેટમાં શાનદાર બેટિંગ અને બોલિંગનું પ્રદર્શન કર્યું હતું અને ભારતીય મહિલા ક્રિકેટ ટીમની જીતમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. દીપ્તિએ ડિસેમ્બર 2023માં 2 ટેસ્ટ મેચ રમી હતી, જેમાં તેણે 55ની એવરેજથી 165 રન બનાવ્યા અને 11 વિકેટ પણ ઝડપી હતી. આ દરમિયાન મહિલા T20Iમાં તેણે 3 મેચની 2 ઇનિંગ્સમાં 15 રન બનાવ્યા અને 2 વિકેટ ઝડપી હતી. જયારે ODIમાં તેણે 2 મેચમાં 45ની એવરેજથી રન બનાવ્યા અને 6 વિકેટ પણ લીધી હતી.
દિપ્તિની આંતરરાષ્ટ્રીય કારકિર્દી
ઉલ્લેખનીય છે કે દીપ્તિ ભારતની અનુભવી ઓલરાઉન્ડર છે. તે ભારત માટે ત્રણેય ફોર્મેટ રમે છે. દીપ્તિએ અત્યાર સુધીમાં 4 ટેસ્ટ, 86 વનડે અને 104 T20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે.
“એવોર્ડ માટે મારા નામની પસંદગી થવી સન્માનની વાત છે”
ICC વિમેન્સ પ્લેયર ઓફ ધ મંથ બન્યા પછી દીપ્તિ શર્માએ કહ્યું, “ડિસેમ્બર માટે ICC વિમેન્સ પ્લેયર ઓફ ધ મંથ તરીકે મારું નામ પસંદ થવું એ સન્માનની વાત છે. હું અત્યારે મારી રમત વિશે ખૂબ જ સારું અનુભવું છું અને મને આનંદ છે કે ગયા મહિને મજબૂત વિરોધીઓ સામે ભારત માટે મારા પ્રદર્શનમાં તે પ્રતિબિંબિત થયું હતું. ભવિષ્યમાં મને આવી વધુ ક્ષણો મળી શકે તે માટે હું સખત મહેનત કરવાનું ચાલુ રાખીશ. હું આ પુરસ્કાર માટે પસંદ કરવા બદલ આભારી છું. દુનિયાભરના ચાહકોએ પણ મને વોટ આપ્યો. આ વસ્તુ તેને વધુ ખાસ બનાવે છે. આ એવોર્ડ જીતવામાં મને મદદ કરવા બદલ હું તેમનો અને મારા સાથીદારોનો આભાર માનું છું.”