- ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે 3 મેચની T20 સિરીઝ
- ત્રીજી મેચ 17 જાન્યુઆરીએ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાશે
- ત્રીજી મેચમાં સંજુ સેમસનને પ્લેઈંગ-11માં મળી શકે છે સ્થાન
ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે ત્રણ મેચની T20 સિરીજની ત્રીજી અને છેલ્લી મેચ બેંગલુરુના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાશે. સિરીઝની બંને શરૂઆતી મેચ જીતીને ટીમ ઈન્ડિયાએ 2-0ની અજેય સરસાઈ મેળવી લીધી છે. હવે ભારતીય ટીમ ત્રીજી મેચ જીતીને અફઘાનિસ્તાનને સીરીઝમાં 3-0થી ક્લીન સ્વીપ કરવા માંગશે. ત્રીજી T20 મેચમાં ભારતીય ટીમની પ્લેઈંગ ઈલેવનમાં એક કે બે ફેરફાર જોવા મળી શકે છે.
સંજુ સેમસન વાપસી કરી શકે છે
અફઘાનિસ્તાન સામેની T20 સિરીઝ માટે સંજુ સેમસનને પણ ટીમ ઈન્ડિયામાં સામેલ કરવામાં આવ્યો છે. જોકે, સંજુ સેમસનને હજુ સુધી બંને મેચની પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન મળ્યું નથી. તેના સ્થાને બીજા વિકેટકીપર બેટ્સમેન જીતેશ શર્માને બે મેચમાં તક આપવામાં આવી હતી. હવે એવી આશા રાખવામાં આવી રહી છે કે જીતેશ શર્માને આરામ આપીને ત્રીજી મેચની પ્લેઈંગ ઈલેવનમાં સંજુ સેમસનનો સમાવેશ થઈ શકે છે.
ઘણી સિરીઝમાં એવું જોવા મળે છે કે સંજુ સેમસનને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે પરંતુ તેને પ્લેઈંગ ઈલેવનમાં તક નથી મળતી. હજુ સુધી અફઘાનિસ્તાન સામેની આ T20 સિરીઝમાં પણ કંઈક આવું જ જોવા મળ્યું છે.
આવેશ ખાનને મળી શકે છે તક
આ સિરીઝમાં ફાસ્ટ બોલર અવેશ ખાનને પણ ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. આવેશ ખાન પણ પ્રથમ બે T20 મેચમાંથી બહાર રહ્યો હતો. હવે એવી આશા રાખવામાં આવી રહી છે કે ત્રીજી T20 મેચની પ્લેઈંગ ઈલેવનમાં તેનો સમાવેશ થઈ શકે છે. આ પહેલા આવેશ ખાનને સાઉથ આફ્રિકા વિરૂદ્ધ રમાયેલી ODI અને T20 ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો. આવેશ ખાને ટીમ ઈન્ડિયા માટે અત્યાર સુધીમાં 19 T20 મેચ રમી છે. જેમાં તેના નામે 18 વિકેટ છે.