• ભારતીય હોકી ગોલકીપર પીઆર શ્રીજેશે નિવૃતિની જાહેરાત કરી
  • પવન મલિક ભારતીય હોકીના ઉભરતા ગોલકીપરમાંથી એક છે
  • કૃષ્ણા પાઠક ભારતીય ટીમનો વર્તમાન સૌથી અનુભવી ગોલકીપર

ભારતીય હોકી ગોલકીપર ‘ધ વોલ’ પીઆર શ્રીજેશ પેરિસ ઓલિમ્પિક 2024માં તેના શાનદાર પ્રદર્શન બાદ રાષ્ટ્રીય ટીમમાંથી નિવૃત્ત થયો છે. 36 વર્ષીય શ્રીજેશે તેની 18 વર્ષની કારકિર્દીમાં ભારતીય હોકી માટે 336 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. તેણે સતત બે ઓલિમ્પિક ગેમ્સમાં બ્રોન્ઝ મેડલ જીતીને ટીમને ગૌરવ અપાવ્યું હતું. હવે તેની નિવૃત્તિ બાદ સૌથી મોટો સવાલ એ છે કે ભારતીય ટીમના ગોલપોસ્ટની જવાબદારી કોણ સંભાળશે. ચાલો તે ત્રણ સંભવિત ગોલકીપર પર એક નજર કરીએ જેઓ શ્રીજેશનું સ્થાન લઈ શકે છે.

પવન મલિક

પવન મલિક ભારતીય હોકીના ઉભરતા ગોલકીપરમાંથી એક છે. તેણે ગયા વર્ષે રાઉરકેલામાં FIH પ્રો લીગમાં પદાર્પણ કર્યું હતું અને તેની પ્રથમ ઇનિંગે પ્રેક્ષકોને પ્રભાવિત કર્યા હતા. તેણે 2021માં ભુવનેશ્વરમાં યોજાયેલા FIH જુનિયર વર્લ્ડ કપમાં પણ ભારતીય ટીમનું પ્રતિનિધિત્વ કર્યું હતું. પવને ધીમે ધીમે તેની રમતમાં સુધારો કર્યો છે અને હવે તે રાષ્ટ્રીય ટીમમાં તેનું સ્થાન નિશ્ચિત કરવા માટે તૈયાર છે.


સુરજ કરકેરા

સૂરજ કરકેરા છેલ્લા સાત વર્ષથી રાષ્ટ્રીય ટીમનો ભાગ છે, પરંતુ તેણે અત્યાર સુધીમાં માત્ર 43 મેચ રમી છે. 2017ના એશિયા કપમાં ગોલ્ડ મેડલ જીતનારી ટીમનો ભાગ બનેલા સૂરજે પોતાની ગોલકીપિંગ કુશળતા સાબિત કરી છે. તાજેતરમાં ઓમાનમાં યોજાયેલા હોકી 5s વર્લ્ડ કપમાં તે ભારતીય ટીમનો ભાગ હતો. તેણે 2018 કોમનવેલ્થ ગેમ્સમાં પણ ટીમનું પ્રતિનિધિત્વ કર્યું હતું. હવે સૂરજનો ઉદ્દેશ્ય રાષ્ટ્રીય ટીમમાં વાપસી કરીને પોતાનું સ્થાન નિશ્ચિત કરવાનો છે.


કૃષ્ણા બી પાઠક

કૃષ્ણા પાઠક ભારતીય ટીમનો વર્તમાન સૌથી અનુભવી ગોલકીપર છે. 2018માં આંતરરાષ્ટ્રીય હોકીમાં પદાર્પણ કરનાર કૃષ્ણા અત્યાર સુધીમાં 125 આંતરરાષ્ટ્રીય મેચ રમી ચૂક્યો છે. તેણે બે એશિયન ગેમ્સમાં મેડલ જીતીને પોતાની યોગ્યતા સાબિત કરી છે. શ્રીજેશ સાથે FIH પ્રો લીગમાં રમતી વખતે તેણે વિવિધ ક્વાર્ટરમાં ગોલકીપિંગની જવાબદારી લીધી છે. આંતરરાષ્ટ્રીય અનુભવ સાથે, કૃષ્ણાને હાલમાં ભારતીય ગોલકીપિંગની જવાબદારી માટે સૌથી મજબૂત ઉમેદવાર માનવામાં આવે છે.


આ ત્રણ ગોલકીપરમાંથી એક ભારતીય હોકી ટીમનો નવો ગોલકીપર બનવાની રેસમાં છે. જોકે, શ્રીજેશ જેવા અનુભવી અને પ્રતિભાશાળી ગોલકીપરને શોધવો આસાન નહીં હોય.

  • Follow us on: