- ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ફાઇનલ મેચ
- અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચ
- મેચ દરમિયાન ફેન્સ કોહલીને મળવાનો પ્રયાસ કર્યો
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ODI વર્લ્ડ કપ 2023ની ફાઈનલ મેચ અમદાવાદમાં રમાઈ રહી છે. આ મેચમાં ભારતીય ટીમ ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા આવી હતી. શરૂઆતના આંચકા બાદ ફરી એકવાર વિરાટ કોહલી ક્રિઝ પર છે. ઇનિંગની 14મી ઓવરમાં એક પ્રશંસક પ્રવેશ્યો અને આ દરમિયાન મેચને રોકી દેવામાં આવી હતી. તે વિરાટ કોહલીનો ફેન હતો જે ક્રિઝ પર આવ્યો અને વિરાટને ગળે લગાવવા લાગ્યો હતો.
હાથમાં પેલેસ્ટાઈનનો ધ્વજ હતો
આ ઘટના બાદ વિરાટ કોહલી અને આ ફેન્સની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થવા લાગી હતી. આ ચાહકના હાથમાં પેલેસ્ટાઈનનો ધ્વજ પણ હતો અને તેના ટી-શર્ટની પાછળ ફ્રી પેલેસ્ટાઈન પણ લખેલું હતું. જ્યારે આ વ્યક્તિ મેદાનમાં પ્રવેશ્યો તો વિરાટ અને રાહુલ તેને ધક્કો મારવા લાગ્યા હતા. ત્યારબાદ થોડી વારમાં સુરક્ષાકર્મીઓ આવ્યા અને આ વ્યક્તિને મેદાનમાંથી હટાવી દીધો હતો.
અત્યાર સુધીની મેચની પરિસ્થિતિ
સમાતાર લખાય ત્યાં સુધી ભારતે 15 ઓવરમાં 3 વિકેટના નુકસાને 97 રન બનાવ્યા છે. ઓપનર શુભમન ગિલ 4 રન અને રોહિત શર્મા 31 બોલમાં 47 રન કરીને આઉટ થયા હતા. જ્યારે ભારતીય ટીમનો મિડલ ઓર્ડર બેટ્સમેન શ્રેયસ અય્યર 3 બોલમાં 4 રન કરીને આઉટ થયો છે. અત્યારે ભારત માટે વિરાટ કોહલી 31 બોલમાં 32 રન કરીને અને કેએલ રાહુલ 18 બોલમાં 8 રન કરીને બેટિંગ કરી રહ્યો છે. ઓસ્ટ્રેલિયાના બોલરની વાત કરવામાં આવે તો, મિચેલ સ્ટાર્કે 4 ઓવરમાં 29 રન આપીને 1 વિકેટ, ગ્લેન મેક્સવેલે 2 ઓવરમાં 21 રન આપીને 1 વિકેટ અને પેટ કમિન્સે 4 ઓવરમાં 11 રન આપીને 1 વિકેટ લીધી છે. આ ઉપરાંત એડમ ઝામ્પાએ 2 ઓવરમાં 10 અને જોશ હેઝલવુડે 3 ઓવરમાં 25 રન આપ્યા છે.