- ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાશે વર્લ્ડકપની ફાઈનલ મેચ
- રવિવારે બંને ટીમ અમદાવાદમાં આવશે આમને-સામને
- વિરાટ કોહલીએ વર્લ્ડકપ 2023માં બનાવ્યા સૌથી વધુ રન
વિરાટ કોહલીનું વર્લ્ડકપ 2023માં સૌથી વધુ રન બનાવનારા ખેલાડી બનવાનું નક્કી છે. આ રેસમાં દૂર-દૂર સુધી વિરાટને કોઈ ખેલાડી ટક્કર આપતો નથી. જે ખેલાડી વિરાટને ટક્કર આપી શકે એમ હતા, તે તમામ ખેલાડીઓ ટૂર્નામેન્ટમાંથી બહાર થયા છે.
વિરાટે બનાવ્યા 711 રન
વિરાટ કોહલીએ આ વર્લ્ડકપમાં અત્યાર સુધીમાં 711 રન બનાવ્યા છે. તેણે તમામ 10 મેચ રમીને આટલા રન બનાવ્યા છે. આ સમયગાળા દરમિયાન તે 10 ઈનિંગમાં ત્રણ વખત અણનમ પણ રહ્યો છે. આ પ્રથમ વખત છે જ્યારે કોઈ બેટ્સમેને વર્લ્ડકપમાં 700 રનનો આંકડો પાર કર્યો છે.
વર્લ્ડકપમાં ફટકારી 3 સદી
આ વર્લ્ડકપમાં વિરાટની બેટિંગ એવરેજ જોઈને દરેક લોકો આશ્ચર્યચકિત થઈ શકે છે. વિરાટ 101.57ની બેટિંગ એવરેજથી રન બનાવી રહ્યો છે. તેની સ્ટ્રાઈક રેટ 90.68 છે. વિરાટે વર્લ્ડકપ 2023ની 10 મેચોમાં 8 વખત મોટી ઈનિંગ રમી છે. તેણે 3 સદી અને 5 ફિફ્ટી ફટકારી છે.
રેસમાં ટક્કર આપનારા તમામ ખેલાડી બહાર
વિરાટ કોહલીને વર્લ્ડકપ 2023માં સૌથી વધુ રન બનાવવાના મામલે 3 ખેલાડીઓ તરફથી સૌથી મોટો પડકાર મળતો હતો. આ ત્રણેય ખેલાડીઓ સેમીફાઇનલ બાદ વર્લ્ડકપમાંથી બહાર થઇ ગયા છે. આ યાદીમાં ક્વિન્ટન ડી કોક (594), રચિન રવિન્દ્ર (578) અને ડેરિલ મિચેલ (552) રનનો સમાવેશ થાય છે. કોહલી પછી આ બેટ્સમેન આ ટૂર્નામેન્ટમાં સૌથી વધુ રન ફટકારવામાં આગામી ત્રણ સ્થાન પર છે. આ ત્રણેય બેટ્સમેનોની ટીમે સેમીફાઇનલ મેચોમાં હાર્યા બાદ વર્લ્ડકપમાંથી બહાર થવું પડ્યું છે.
રોહિત, વોર્નર અને શ્રેયસે 500+ રન બનાવ્યા
આ વર્લ્ડકપમાં સૌથી વધુ રન બનાવવાના મામલે રોહિત શર્મા, ડેવિડ વોર્નર અને શ્રેયસ અય્યર અનુક્રમે પાંચમા, છઠ્ઠા અને સાતમા સ્થાને છે. રોહિત શર્માએ અત્યાર સુધી 552 રન બનાવ્યા છે. તે કોહલી કરતા 160 રન પાછળ છે. હિટમેન બાદ ડેવિડ વોર્નર 528 અને શ્રેયસ અય્યર 526 રન સાથે આવે છે.