• ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાશે વર્લ્ડકપની ફાઈનલ
  • અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં બંને આવશે આમને-સામને
  • ફાઈનલ મેચ પહેલાં પેટ કમિન્સના ટેન્શનમાં વધારો

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આ વખતે વર્લ્ડકપની ફાઈનલ મેચ રમવામાં આવશે. આ વર્લ્ડકપની પ્રથમ સેમીફાઇનલ મેચમાં ભારતે ન્યૂઝીલેન્ડને હરાવી ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો હતો, જ્યારે બીજી સેમીફાઇનલ મેચમાં ઓસ્ટ્રેલિયાની ટીમે સાઉથ આફ્રિકાને હરાવીને ફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું હતું. હવે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ફાઇનલ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે.

સૌથી મોટા સ્ટેડિયમમાં રમવા પર કમિન્સે આપી પ્રતિક્રિયા

અમદાવાદનું આ ક્રિકેટ સ્ટેડિયમ વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ છે. જેથી સ્વાભાવિક રીતે જ આ સ્ટેડિયમમાં ભારતીય દર્શકોની સંખ્યા ઓસ્ટ્રેલિયન દર્શકો કરતા ઘણી વધારે હશે. વિશ્વભરના કોઈપણ ક્રિકેટ સ્ટેડિયમમાં ભારતીય દર્શકો મોટી સંખ્યામાં ભારતીય ટીમને સમર્થન આપવા આવે છે, જે મેદાન પર રમતા ટીમ ઈન્ડિયાના ખેલાડીઓનું મનોબળ પણ વધારે છે. આવી સ્થિતિમાં આ વખતે વર્લ્ડકપની ફાઈનલ ભારતમાં રમાઈ રહી છે. જેમાં ભારત ફાઈનલ મેચમાં તેના જૂના કટ્ટર હરીફ ઓસ્ટ્રેલિયા સામે ટકરાશે અને આ મેચ વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. આવી સ્થિતિમાં સ્પષ્ટ છે કે 1.25 લાખ પ્રેક્ષકોની ક્ષમતાવાળા આ મેદાનમાં એક લાખથી વધુ દર્શકો ભારતીય ટીમને સમર્થન આપશે, જે ચોક્કસપણે ઓસ્ટ્રેલિયન ટીમ માટે વધારાનું ટેન્શનનું કારણ બનશે.

પેટ કમિન્સે શું કહ્યું?

પેટ કમિન્સે મેચ પછીના પ્રેઝન્ટેશનમાં જણાવ્યું હતું કે, અમારા કેટલાક ખેલાડીઓ જ આ પહેલા ફાઈનલ મેચ રમ્યા છે. આમાંથી કેટલાક ખેલાડીઓ T20 વર્લ્ડકપની ફાઈનલ રમી ચૂક્યા છે. આ ફાઈનલ વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમમાં યોજાવા જઈ રહી છે. તે ચોક્કસપણે જબરજસ્ત હશે અને મોટાભાગના સમર્થન એકતરફી હશે. આપણે તેને ખુશીથી સ્વીકારવી જોઈએ. કમિન્સે વધુમાં કહ્યું કે, આ ખૂબ જ ખાસ બનવા જઈ રહ્યું છે. 2015ના વર્લ્ડકપની ફાઈનલ મેચ મારા માટે ખૂબ જ ખાસ ક્ષણ હતી અને મેં ક્યારેય વિચાર્યું નહોતું કે હું ફરીથી અહીં ભારતમાં વર્લ્ડકપની ફાઈનલ રમીશ.

  • Follow us on: