- અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચે રોમાંચક મેચ રમાઇ
- અફઘાનિસ્તાનના કોચે ડ્રેસિંગ રૂમમાંથી મેચ ધીમી કરવાનો સંકેત આપ્યો
- ગુલબદ્દીન આ હરકતને લઈને સોશિયલ મીડિયા પર ટ્રોલ થયો
અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચે રમાયેલી રોમાંચક મેચમાં ગુલબદ્દીન નઇબનું અચાનક ક્રેમ્પ હવે ચર્ચાનો વિષય બની ગયું છે. આ મેચ દરમિયાન જ્યારે અફઘાનિસ્તાન ટીમના મુખ્ય કોચ જોનાથન ટ્રોટે ડ્રેસિંગ રૂમમાંથી મેચ ધીમી કરવાનો સંકેત આપ્યો હતો, ત્યારે ગુલબદ્દીન નઇબ અચાનક નીચે પડી ગયા હતા. જે બાદ તેને મેદાનની બહાર લઈ જવો પડ્યો હતો.
ગુલબદ્દીનને આવ્યો ક્રેમ્પ
આ સમગ્ર ઘટના ત્યારે બની જ્યારે મેચમાં વરસાદ પડ્યો, તે સમયે જો ભારે વરસાદને કારણે મેચનું પરિણામ DLS પદ્ધતિથી જાહેર કરવામાં આવ્યું હોત તો અફઘાનિસ્તાન જીતી ગયું હોત. આ પછી વરસાદ બંધ થયો અને ગુલબદ્દીન ફરી મેદાનમાં જોવા મળ્યો અને તેણે બોલિંગ પણ કરી. આટલું જ નહીં, મેચ જીત્યા બાદ ગુલબદ્દીન ખૂબ જ ઝડપથી દોડતો પણ જોવા મળ્યો હતો, તેને જોઈને લાગતું નહોતું કે ગુલબદીનને કોઈ ક્રેમ્પ છે.
સોશિયલ મીડિયા પર ઉડી મજાક
હવે ગુલબદ્દીનની આ હરકતને લઈને સોશિયલ મીડિયા પર ઘણી પોસ્ટ શેર કરવામાં આવી રહી છે. યુઝર્સ અલગ-અલગ પ્રકારની પોસ્ટ શેર કરીને ગુલબદીનની મજા લઈ રહ્યા છે. એક યુઝરે પોસ્ટ શેર કરીને લખ્યું કે ગુલબદીનને ઓસ્કાર મળવો જોઈએ. તે અમારી પેઢીનો શ્રેષ્ઠ અભિનેતા છે.
યુઝરે લખ્યું કે ગુલબદ્દીન નઇબને સવારે 10.01 વાગે ચાલવામાં તકલીફ થઈ રહી હતી. જ્યારે અફઘાનિસ્તાન જીત્યું ત્યારે તે 10.34 વાગ્યે સૌથી ઝડપી દોડી રહ્યો હતો.
અફઘાનિસ્તાન સેમી ફાઇનલમાં પહોંચી ગયું
બાંગ્લાદેશને હરાવીને અફઘાનિસ્તાને સેમીફાઈનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે. અફઘાનિસ્તાને આ મેચ 8 રને જીતી લીધી હતી. મેચમાં અફઘાનિસ્તાનના બોલરોએ ફરી એકવાર શાનદાર બોલિંગનું પ્રદર્શન કર્યું હતું. અફઘાનિસ્તાન તરફથી કેપ્ટન રાશિદ ખાન અને નવીન ઉલ હકે 4-4 વિકેટ લીધી હતી.