• આજે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે મેચ રમાશે
  • લખનૌના એકાના સ્ટેડિયમ ખાતે મેચ રમાશે
  • 4 વર્ષ બાદ બંને દેશની ટીમો વચ્ચે મેચ રમાશે

રવિવારે લખનૌના એકાના સ્ટેડિયમમાં ટીમ ઈન્ડિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે મેચ રમાશે. ચાર વર્ષ બાદ વર્લ્ડ કપમાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે મેચ રમાશે. વર્લ્ડ કપ 2023માં ભારતે અત્યાર સુધી પાંચ મેચ રમી છે અને તે તમામમાં જીત મેળવી છે. જ્યારે ઈંગ્લેન્ડ માત્ર એક મેચ જીત્યું છે. તેથી, ભારત સાથે સ્પર્ધા કરવી તેના માટે સરળ રહેશે નહીં. વર્લ્ડ કપમાં આ બંને ટીમો વચ્ચે છેલ્લી મેચ 2019માં રમાઈ હતી. જેમાં ઈંગ્લેન્ડની જીતી થઈ હતી.

2019માં બર્મિંગહામમાં મેચ રમાઈ હતી

વર્લ્ડ કપ 2019માં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે બર્મિંગહામમાં મેચ રમાઈ હતી. પ્રથમ બેટિંગ કરતા ઈંગ્લેન્ડે 7 વિકેટ ગુમાવીને 337 રન બનાવ્યા હતા. જોની બેયરસ્ટોએ શાનદાર પ્રદર્શન કર્યું અને સદી ફટકારી. તેમણે 109 બોલનો સામનો કરીને 111 રન બનાવ્યા હતા. તેની ઇનિંગમાં 10 ચોગ્ગા અને 6 છગ્ગાનો સમાવેશ થાય છે. જેસન રોયે 66 રનની મહત્વપૂર્ણ ઇનિંગ રમી હતી. બેન સ્ટોક્સે 54 બોલમાં 79 રન બનાવ્યા હતા.

ટીમ ઈન્ડિયાની 31 રને હાર થઈ હતી

ઈંગ્લેન્ડે આપેલા ટાર્ગેટનો પીછો કરવા આવેલી ભારતીય ટીમ 5 વિકેટ ગુમાવીને માત્ર 306 રન જ બનાવી શકી હતી. ટીમ ઈન્ડિયા માટે રોહિત શર્માએ સદી ફટકારી હતી. તેણે 15 ચોગ્ગાની મદદથી 102 રન બનાવ્યા હતા. આ મેચમાં કેએલ રાહુલ શૂન્ય પર આઉટ થયો હતો. વિરાટ કોહલીએ 66 રન અને હાર્દિક પંડ્યાએ 45 રનનું યોગદાન આપ્યું હતું. મહેન્દ્ર સિંહ ધોનીએ અણનમ 42 રન બનાવ્યા હતા. ટીમ ઈન્ડિયા આ મેચ 31 રને હારી ગઈ હતી.

પોઈન્ટ ટેબલમાં ભારત બીજા સ્થાને

તમને જણાવી દઈએ કે વર્લ્ડ કપ 2023ના પોઈન્ટ ટેબલમાં ભારત બીજા સ્થાને છે. ટીમ ઈન્ડિયાએ અત્યાર સુધી 5 મેચ રમી છે અને તમામ જીતી છે. તેનાથી આગળ 10 પોઈન્ટ છે. ઈંગ્લેન્ડ સૌથી નીચલા સ્થાને છે. ઈંગ્લેન્ડ માત્ર એક મેચ જીત્યું છે. તેને ન્યૂઝીલેન્ડ, અફઘાનિસ્તાન, દક્ષિણ આફ્રિકા અને શ્રીલંકાથી હાર મળી છે. ભારત બાદ ઈંગ્લેન્ડની ટીમ ઓસ્ટ્રેલિયા, નેધરલેન્ડ અને પાકિસ્તાન સામે મેચ રમશે.

  • Follow us on: