- શિખર ધવને તાજેતરમાં જ નિવૃત્તિની જાહેરાત કરી હતી
- ડેવિડ મલાન અને વેસ્ટ ઈન્ડિઝના બોલર શેનોન ગેબ્રિયલે લીધો સંન્યાસ
- હવે ભારતીય ફાસ્ટ બોલર બરિન્દર સરને પણ નિવૃત્તિની જાહેરાત કરી
ક્રિકેટમાં ભારતીય ખેલાડીઓની નિવૃત્તિનો સિલસિલો ચાલુ છે. શિખર ધવને તાજેતરમાં જ નિવૃત્તિ લીધી હતી. તેના પછી ઈંગ્લેન્ડના ડેવિડ મલાન અને વેસ્ટ ઈન્ડિઝના બોલર શેનોન ગેબ્રિયલ પણ સંન્યાસ લઈ ચૂક્યા છે. હવે આ યાદીમાં વધુ એક નામ જોડાયું છે. ટીમ ઈન્ડિયાના લેફ્ટ આર્મ ફાસ્ટ બોલર બરિન્દર સરને પણ નિવૃત્તિની જાહેરાત કરી દીધી છે. તેણે સોશિયલ મીડિયા પર આની જાહેરાત કરી હતી. તેણે કહ્યું કે નિવૃત્તિ લેવાનો આ યોગ્ય સમય છે.
સોશિયલ મીડિયા પર આપી જાણકારી
સોશિયલ મીડિયા પર નિવૃત્તિની જાહેરાત કરતા બરિન્દર સરને લખ્યું, 'મેં ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાનો નિર્ણય કર્યો છે. આ પ્રવાસમાં હું જે લોકોને મળ્યો તેમનો આભાર. 2009 માં બોક્સિંગમાંથી ક્રિકેટમાં સ્વિચ કર્યા પછી મને અસંખ્ય અને અવિશ્વસનીય અનુભવો થયા છે. ફાસ્ટ બોલિંગ મારા માટે ખૂબ જ નસીબદાર હતી. મને IPLમાં રમવાની તક મળી. આ પછી 2016માં તેને ટીમ ઈન્ડિયા માટે ડેબ્યૂ કરવાનો મોકો મળ્યો.
ભલે મારી આંતરરાષ્ટ્રીય કારકિર્દી ટૂંકી હતી, પરંતુ તેની સાથે જોડાયેલી યાદો હંમેશા મારા હૃદયમાં રહેશે. આ માટે હું ભગવાનનો આભાર વ્યક્ત કરું છું. અંતમાં એટલું જ કહીશ કે આકાશની જેમ સપનાની પણ કોઈ સીમા હોતી નથી માટે સપના જોતા રહો.
આવી રહી કારકિર્દી
બરિન્દર સરને 2015-16માં ઓસ્ટ્રેલિયા સામે પર્થમાં ડેબ્યૂ કર્યું હતું. આ પછી તેને ઝિમ્બાબ્વે પ્રવાસ પર બે ટી-20 મેચ રમવાની મળી. તેણે પોતાની કારકિર્દીમાં 6 ODI મેચમાં 7 વિકેટ ઝડપી હતી. આ સિવાય તેણે બે T20 મેચમાં 6 વિકેટ લીધી હતી. આઈપીએલમાં તે મુંબઈ ઈન્ડિયન્સ, કિંગ્સ ઈલેવન પંજાબ, રાજસ્થાન રોયલ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ તરફથી રમી ચૂક્યો છે. તેણે 2015 થી 2019 વચ્ચે IPLમાં 24 મેચમાં 18 વિકેટ ઝડપી હતી. તેણે 18 ફર્સ્ટ ક્લાસ મેચમાં 47 વિકેટ લીધી છે. તેણે 31 લિસ્ટ A મેચમાં 45 વિકેટ લીધી છે.