- જેસન બેહરેનડોર્ફ ઈજાના કારણે આખી સિઝનમાંથી બહાર થયો
- બેહરનડોર્ફના સ્થાને મુંબઈ ઈન્ડિયન્સે લ્યુક વુડને ટીમમાં સામેલ કર્યો
- મુંબઈ ઈન્ડિયન્સ માટે જેસન બેહરનડોર્ફનું શાનદાર પ્રદર્શન
મુંબઈ ઈન્ડિયન્સનો ડાબોડી ફાસ્ટ બોલર જેસન બેહરેનડોર્ફ ઈજાના કારણે આખી સિઝનમાંથી બહાર થઈ ગયો છે. જેસન બેહરનડોર્ફના સ્થાને મુંબઈ ઈન્ડિયન્સે ઈંગ્લેન્ડના 28 વર્ષીય લ્યુક વુડને ટીમમાં સામેલ કર્યો છે. IPL 2024માં મુંબઈ ઈન્ડિયન્સ માટે જેસન બેહરેનડોર્ફે શરૂઆતની ઓવરોમાં ઘણી વિકેટો લીધી હતી.
જેસન બેહરનડોર્ફ ઈજાગ્રસ્ત
ઈજા બાદ કેપ્ટન હાર્દિક પંડ્યાને મોટો ઝટકો લાગ્યો છે. તમને જણાવી દઈએ કે મુંબઈ ઈન્ડિયન્સ પોતાની પ્રથમ મેચ 24 માર્ચે ગુજરાત ટાઈટન્સ સામે રમવાની છે. તે પહેલા જેસન બેહરનડોર્ફની ઈજા મુંબઈ ઈન્ડિયન્સ કેમ્પને મોટી મુશ્કેલીમાં મૂકી શકે છે. જો કે, હવે જોવાનું એ રહે છે કે તેના સ્થાને આવેલો લ્યુક વુડ ટીમને તેની ખોટ સાલવા દેશે કે નહી.
ઈંગ્લેન્ડના સ્ટાર ખેલાડીએ કર્યો રિપ્લેસ
જેસન બેહરનડોર્ફની ઈજા બાદ મુંબઈએ તેના સ્થાને ઈંગ્લેન્ડના સ્ટાર ફાસ્ટ બોલર લ્યુક વૂડને ટીમમાં સામેલ કર્યો છે. વુડે ઈંગ્લેન્ડ માટે અત્યાર સુધીમાં 2 ODI અને 5 T20 ઈન્ટરનેશનલ મેચ રમી છે, T20 ઈન્ટરનેશનલમાં વુડે 5 મેચમાં 8 વિકેટ ઝડપી છે. તે જ સમયે, લ્યુક વૂડે કુલ 140 T20 મેચ રમી છે, જેમાં તેના નામે 147 વિકેટ છે. તેની ઝડપી બોલિંગની સાથે, વુડ નીચલા ક્રમમાં પણ સારી બેટિંગ કરે છે, જેના કારણે તેને બેહરનડોર્ફના સ્થાને પસંદ કરવામાં આવ્યો છે.
મુંબઈ ઈન્ડિયન્સ માટે જેસન બેહરનડોર્ફનું પ્રદર્શન
જેસન બેહરેનડોર્ફે મુંબઈ ઈન્ડિયન્સ માટે 17 મેચ રમી છે, જેમાં તેણે કુલ 19 વિકેટ લીધી છે. તે જ સમયે, જેસન બેહરેનડોર્ફે IPL 2024માં મુંબઈ ઈન્ડિયન્સ માટે શાનદાર પ્રદર્શન કર્યું હતું. પાવર પ્લેમાં બોલિંગ કરતી વખતે તેણે શરૂઆતની ઓવરમાં જ ટીમને વિકેટ અપાવી હતી. આ સિવાય તેણે છેલ્લી ઓવરમાં મુંબઈ માટે ખૂબ જ ચુસ્ત બોલિંગ પણ કરી હતી. બેહરનડોર્ફને IPL 2023માં રોહિત શર્માની કપ્તાનીમાં 12 મેચ રમવાની તક મળી હતી, જેમાં તેણે 14 વિકેટ ઝડપી હતી.
હાર્દિક પંડ્યાની વધી સમસ્યા
જેસન બેહરનડોર્ફ આખી સિઝનમાંથી બહાર થઈ ગયો હોવાથી કેપ્ટન હાર્દિક પંડ્યાની મુશ્કેલીઓ વધી રહી છે. આ પહેલા શ્રીલંકાના સ્ટાર બોલર દિલશાન મદુશંકાને પણ બાંગ્લાદેશ સામે બોલિંગ કરતી વખતે ઈજા થઈ હતી. જે બાદ માનવામાં આવી રહ્યું છે કે તે IPL 2024નો પ્રથમ ચરણ પણ ચૂકી શકે છે. જ્યારે મુંબઈ ઈન્ડિયન્સનો વિસ્ફોટક બેટ્સમેન સૂર્યકુમાર યાદવ પણ હજુ સંપૂર્ણ રીતે ફિટ થયો નથી. આવી સ્થિતિમાં સુકાની હાર્દિક પંડ્યાની મુશ્કેલીઓમાં વધારો થતો જોવા મળી રહ્યો છે.