- કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે ભારત-પાકિસ્તાન સીરિઝ પર આપ્યું નિવેદન
- અનંતનાગમાં આતંકી હુમલા બાદ આપ્યું નિવેદન
- ભારત-પાકિસ્તાન સીરિઝ માટે જોવી પડશે રાહ
ભારત અને પાકિસ્તાન વચ્ચે વર્ષ 2012-13માં છેલ્લી દ્વિપક્ષીય સીરિઝ રમવામાં આવી હતી. જે બાદ બંને ટીમ માત્ર ICC ટૂર્નામેન્ટમાં એકબીજા સામે મેચ રમતી જોવા મળે છે, ત્યારે હવે કેન્દ્રીય રમત-ગમત મંત્રી અનુરાગ ઠાકુરે બંને દેશ વચ્ચે દ્વિપક્ષીય સીરિઝને લઈ નિવેદન આપ્યું છે. કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું કે, બંને દેશ વચ્ચે ક્યારે દ્વિપક્ષીય સીરિઝ રમવામાં આવશે.
અનુરાગ ઠાકુરે શું કહ્યું?
કેન્દ્રીય રમત-ગમત મંત્રી અનુરાગ ઠાકુરે ભારત અને પાકિસ્તાન વચ્ચે દ્વિપક્ષીય સીરિઝ રમવાના સવાલ પર જવાબ આપતા કહ્યું કે, BCCIએ બહુ પહેલાં જણાવી દીધું હતું કે, જ્યાં સુધી પાકિસ્તાન આતંકવાદ, સરહદ પાર હુમલા અને ઘૂસણખોરીનો પ્રયાસ બંધ નહીં કરે, ત્યાં સુધી બંને વચ્ચે મેચ રમવામાં આવશે નહીં.
અનંતનાગ આતંકી હુમલા બાદ આપ્યું નિવેદન
રમત-ગમતમંત્રી અનુરાગ ઠાકુરે આ નિવેદન અનંતનાગમાં બુધવારે થયેલા આતંકી હુમલા બાદ આપ્યું છે. આ હુમલામાં ભારતીય સેનાના 2 અધિકારી અને એક જવાન શહીદ થયા છે. સાથે એક પોલીસ અધિકારી પણ શહીદ થયા છે. આ આતંકી ઘટના બાદ સમગ્ર દેશના લોકોમાં ગુસ્સો જોવા મળી રહ્યો છે.
શ્રીલંકામાં છે ભારતીય ટીમ
ટીમ ઈન્ડિયા અત્યારે એશિયા કપ 2023ને લઈ અત્યારે કોલંબોમાં છે. ભારત રેકોર્ડબ્રેક 10મી વખત એશિયા કપના ફાઈનલમાં પહોંચ્યું છે. 17 સપ્ટેમ્બરે ભારત અને શ્રીલંકા વચ્ચે ખિતાબી મેચ રમવામાં આવશે. આ ટૂર્નામેન્ટમાં સૌથી વધુ ચર્ચા ભારત અને પાકિસ્તાનના મેચની થઈ રહી છે. ટૂર્નામેન્ટમાં 2 વખત બંને ટીમ વચ્ચે ટક્કર થઈ હતી. પ્રથમ મેચ વરસાદના કારણે રદ થઈ હતી, જ્યારે બીજી મેચમાં ભારતે પાકિસ્તાન વિરુદ્ધ 228 રને જીત મેળવી હતી.
2012-13માં રમવામાં આવી હતી અંતિમ દ્વિપક્ષીય સીરિઝ
ક્રિકેટ ફેન્સ ભારત અને પાકિસ્તાન મેચની રાહ જોતા હોય છે. બંને ટીમ માત્ર ICC અને કોન્ટિનેંટલ ટૂર્નામેન્ટમાં જ આમને-સામને આવે છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે છેલ્લે વર્ષ 2012-13માં દ્વિપક્ષીય સીરિઝ રમવામાં આવી હતી. જે બાદ બંને દેશ વચ્ચે સંબંધ ખરાબ થયા છે.