- પાકિસ્તાનને શ્રીલંકાના હાથે હારનો સામનો કરવો પડયો
- એશિયા કપ 2022ની ફાઇનલમાં શ્રીલકાંની જીત
- શાદાબ ખાન માટે ખરાબ દિવસ રહ્યો
એશિયા કપ 2022ની ફાઈનલ મેચમાં પાકિસ્તાનને શ્રીલંકાના હાથે હારનો સામનો કરવો પડ્યો છે. રવિવારે દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલી ફાઈનલ મેચમાં શ્રીલંકાની ટીમે પાકિસ્તાનને 23 રને હરાવ્યું હતું. પાકિસ્તાનને જીતવા માટે 171 રનનો ટાર્ગેટ મળ્યો હતો પરંતુ તેની આખી ટીમ 20 ઓવરમાં 147 રનમાં સમેટાઈ ગઈ હતી. આ જીત સાથે શ્રીલંકાએ છઠ્ઠી વખત એશિયા કપનો ખિતાબ જીત્યો.
શાદાબ ખાન માટે ખરાબ દિવસ
પાકિસ્તાની ખેલાડી શાદાબ ખાન માટે ફાઈનલ મેચ કોઈ દુઃસ્વપ્નથી ઓછી ન હતી. શાદાબનો ખરાબ દિવસ ત્યારે શરૂ થયો જ્યારે તે ઓવરથ્રોને રોકવાનો પ્રયાસ કરતી વખતે પોતાની જાત પર કાબૂ ન રાખી શક્યા અને જમીન પર લપસી ગયા. આ દરમિયાન બોલ તેના માથાની નજીક જઇને લાગ્યો હતો. જો કે ફરજિયાત કંકશન ટેસ્ટ બાદ શાદાબે રમવા માટે ફરીથી તૈયાર થયા તેમને એક સફળતા પણ મળી.
જ્યારે મેચ પાકિસ્તાન માટે નિયંત્રણમાં જણાતી હતી, ત્યારે શાદાબ ખાને 18મી ઓવરમાં હારીસ રઉફના ત્રીજા બોલ પર લોંગ ઓન પર ભાનુકા રાજપક્ષેનો મહત્વપૂર્ણ કેચ છોડ્યો હતો. તે સમયે ભાનુકા રાજપક્ષે 45 રન પર રમી રહ્યા હતા. ત્યાર બાદ શાદાબે બીજો કેચ છોડ્યો હતો. આ વખતે તે કેચ પકડવા માટે તેના સાથી ખેલાડી આસિફ અલી સાથે ટકરાયો હતો. આ ઘટના ઇનિંગની 19મી ઓવરમાં બની હતી.
આસિફ અલી સાથે ટક્કર
એ ઓવરમાં મોહમ્મદ હસનૈનના છઠ્ઠા બોલ પર ભાનુકા રાજપક્ષે ડીપ મિડવિકેટ પર મોટો શોટ રમ્યો હતો. આ કેચ પકડવા માટે આસિફ અલી અને શાદાબ ખાન દોડી રહ્યા હતા. આસિફે કેચ લીધો, આ દરમિયાન શાદાબ પણ ઉત્સાહિત થઈ ગયો અને તેણે ડાઈવિંગ કરીને કેચ પકડવાનો પ્રયાસ કર્યો. પરિણામે બંને ખેલાડીઓ ટકરાયા અને બોલ પણ બાઉન્ડ્રીની બહાર ગયો જેના કારણે રાજપક્ષેને છ રન મળ્યા. જમીન પર પડવાને કારણે શાદાબને આ દરમિયાન ગરદન પાસે ઈજા થઈ હતી અને રમત પણ થોડા સમય માટે બંધ થઈ ગઈ હતી.
રાજપક્ષેએ યાદગાર ઇનિંગ રમી હતી
ટોસ હાર્યા બાદ બેટિંગ કરવાનું પસંદ કરતી શ્રીલંકાની ટીમની શરૂઆત સારી રહી ન હતી, તેણે એક સમયે 58 રનમાં પાંચ વિકેટ ગુમાવી દીધી હતી. ત્યારબાદ વાનિંદુ હસરંગા અને ભાનુકા રાજપક્ષેએ 58 રનની ભાગીદારી કરીને શ્રીલંકાને સંકટમાંથી ઉગારી લીધું હતું. હસરંગાએ 21 બોલમાં 36 રનની ઇનિંગ રમી જેમાં પાંચ ચોગ્ગા અને એક છગ્ગાનો સમાવેશ થાય છે. હસરંગાના આઉટ થયા બાદ પણ રાજપક્ષેએ પોતાની તોફાની બેટિંગ ચાલુ રાખી, જેના કારણે શ્રીલંકા છ વિકેટે 170 રન સુધી પહોંચી શકી. ભાનુકા રાજપક્ષે 45 બોલમાં 71 રન બનાવીને અણનમ રહ્યો હતો. આ દરમિયાન તેણે છ ચોગ્ગા અને ત્રણ છગ્ગા ફટકાર્યા હતા.
રિઝવાનની અડધી સદી બેકાર ગઈ
જવાબમાં પાકિસ્તાનની ટીમ 147 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. પાકિસ્તાનની શરૂઆત પણ ખરાબ રહી હતી અને તેણે બાબર આઝમ (5) અને ફખર ઝમાન (0)ની વિકેટ સસ્તામાં ગુમાવી દીધી હતી. ત્યારબાદ મોહમ્મદ રિઝવાન અને ઈફ્તિખાર અહેમદે 71 રનની ભાગીદારી કરીને દાવને સંભાળવાનો પ્રયાસ કર્યો હતો. જ્યારે ઈફ્તિખાર અહેમદ 32 રને આઉટ થયો ત્યારે પાકિસ્તાન પર નેટ રન-રેટનું દબાણ ઘણું વધી ગયું હતું. બાદમાં મોહમ્મદ રિઝવાન પણ 55 રન બનાવીને આઉટ થઈ ગયો હતો, જેના કારણે પાકિસ્તાનની ટીમ મેચમાંથી સંપૂર્ણપણે બહાર થઈ ગઈ હતી.